તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:વિશ્વઆચાર્ય સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત યુવારેલી અને યુવા સંમેલનમાં વિવિધ શાળા મહાશાળાઓના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો,શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ વડોદરાના સ્વામી દર્પહાનંદજી,સુરતના જાણીતા સાહત્યિકાર ડો.રઈશ મનીયાર અને મુંબઈના મોટીવેટર ડો.વિપુલ વ્યાસનાં ઉદબોધનોએ ઉપસ્થિત યુવાનોને વિવેકાનંદમય બનાવી દીધા હતા.સમડીચોક સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિવિધિ કરી વિદ્યાર્થીઓ પ્રતિમા પ્રભુ ફળિયા,મોટાબજાર,ગાંધીબાગ,દસોંદી ફળિયા,ડો. હેડગેવાર ચોક,ગાર્ડનરોડ,એસ.ટી.ડેપો થઇ લક્ષ્મીનારાયણ મંદિર સુધી યુવારેલી રૂપે ફર્યા હતા.નાના નાના ભૂલકાંઓએ યુવારેલી દરમિયાન સ્વામી વિવેકાનંદજી કી જય અને ભારતમાતા કી જય નો જયઘોષ કરી સમગ્ર ધરમપુરને વિવેકાનંદમય કરી મુક્યું હતું.બાદ આ યુવારેલી અત્રેના લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં યુવા સંમેલનમાં ફેરવાઈ હતી.સાહિત્યકાર ડો. રઈશ મનીયારે ઉપસ્થિત યુવાનોને જણાવ્યું કે, આત્મવિશ્વાસથી જ કોઈ પણ નવું કામ શીખી શકાય છે, જે દિવસે નવું શીખવાનું બંધ કરી દે છે, એવા યુવાનોનું જીવન પણ પશુ જેવું બની જાય છે. દરેક વ્યક્તિ અજોડ અને અદ્વિતીય છે ત્યારે યુવાનોએ પોતાની સરખામણી કોઈની સાથે ન કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે યુવાનો કે કોઈ પણ વ્યક્તિ પોતાની સરખામણી બીજા જોડે કરવાનું છોડી દે તો સિત્તેર ટકાથી વધુ સમસ્યાઓ આપોઆપ ઉકેલાય જાય છે. હરીફાઈ હંમેશા પોતાની જાત સાથે જ કરો, ઈશ્વરે જે શક્તિ આપી છે અને વર્તમાન સમયમાં આપણે એ અંદરની શક્તિ બહાર નથી લાવ્યા એ જ શક્તિ ને બહાર લાવો. આળસ ખંખેરો અને સફળતા પ્રાપ્ત કરો.મુંબઈના મોટીવેટર ડો. વિપુલ વ્યાસે વિવેકાનંદજીનાં સમગ્ર જીવન અને કવનની વાતો કરી વિવેકાનંદજીએ ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં જઈ ભારતનું ગૌરવગાન કર્યું હતું એ ભારતના અધ્યાત્મિક અને સાંકૃતિક વારસાને જાળવી રાખવા હાકલ કરી હતી.મુખ્યવક્તા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ વડોદરાના સ્વામી દર્પહાનંદજીએ જણાવ્યું હતું કે,શક્તિ,આત્મશ્રધ્ધા અને નિર્ભયતા એટલે સ્વામી વિવેકાનંદ. એમના લખાણો પત્રો, ભાષણો અને ખાસ કરીને એમનું જીવનચરિત્ર વાંચવાથી યુવાનોમાં શક્તિનો સંચાર થાય જાય છે. યુવાનો પ્રાણવાન અને શ્રદ્ધાવાન બની જાય છે,યુવાનોમાં રહેલો આત્મવિશ્વાસ હજાર ગણો વધી જાય છે. એમના ફોટાને ૧૦ મિનીટ માત્ર જોવાથી પણ યુવાનોમાં પ્રેરણાનું ઝરણું ફૂટી નીકળે છે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને જયારે સ્વદેશ મંત્ર બોલાવડાવ્યો ત્યારે સમગ્ર લક્ષ્મીનારાયણ પરિસર વિવેકાનંદમય બની ગયું હતું.ટ્રસ્ટના ડો. દોલતભાઈ દેસાઈએ સૌને આવકાર્યા હતા.આ અવસરે ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ, ડો. ધીરુભાઈ પટેલ, કલ્પેશ કાપડિયા, પાલિકા પ્રમુખ જયદીપ સોલંકી,રમેશભાઈ અટારા સહતિના મહાનુભાવો હાજર રહયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500