ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર સીએમ દ્વારા આજથી 90 દિવસ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં 100 ટકા પેનલ્ટી માફ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુરુ પૂર્ણિમાના અવસરે જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો.આ નિર્ણય અનુસાર રાજ્યમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તા.1-7-2022ની સ્થિતિએ બાકી હપ્તા પર 90 દિવસ સુધી 100 ટકા પેનલ્ટી પેટે અંદાજે રૂ. 768.92 કરોડની માફી આપવામાં આવશે.જે લાભાર્થી દ્વારા યોજના અમલમાં આવ્યાથી 90 દિવસમાં બોર્ડની બાકી રહેતી હપ્તાની રકમ ભરપાઇ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ ઉપર 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે.
આ રાહત પેકેજ યોજનામાં જોડાવાથી 64,991 જેટલા બાકી લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થઇ શકશે. એટલું જ નહિ, 90 દિવસની સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
લાભાર્થીઓને દસ્તાવેજ કરાવવા અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડની વેબસાઇટ http://www.gujarathousingboard.gujarat.gov.in પર ફોર્મ ઉપલબ્ધ છે, તેમજ વેબસાઇટ પર આપેલ મોબાઇલ નંબરથી પણ આ અંગેની વધુ માહિતી મળી રહેશે. મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે. તેમજ આ પેકેજ યોજનામાં જોડાયેલાને મકાન ધારકને માલિકી હક્ક પ્રાપ્ત થશે. પરિણામે દસ્તાવેજ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં રી-ડેવલપમેન્ટ યોજનાઓ વધુ વેગપૂર્વક કાર્યાન્વિત થઇ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500