અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલા 17 ભારતીયો સહિત કુલ 100 વિદેશી નાગરિકો પકડાયા હોવાનું અમેરિકી સીમા સુરક્ષા એજન્સીએ કહ્યું હતું. જ્યારે પકડાયેલા વિદેશી નાગરિકો રાતે બે વાગ્યે કેલિફોર્નિયા સરહદે વાડ ઓળંગવાનો પ્રયાસ કરતા હતા.
તે વખતે પેટ્રોલિંગ ટીમના ધ્યાનમાં આવ્યા હતા. અમેરિકન સીમા સુરક્ષા એજન્સીના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે, કેલિફોર્નિયાની સરહદે વાડ ઓળંગીને અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં રહેલા 100 વિદેશી નાગરિકોને પકડી લેવાયા હતા. એમાં ભારતનાં ૧૭ નાગરિકો પણ સામેલ હતા.
તદ્દઉપરાંત સોમાલિયાના 37 નાગરિકો, અફઘાનિસ્તાનના 6 નાગરિકો, પાકિસ્તાનના 4, બ્રાઝિલના 3 નાગરિકોનો સમાવેશ થતો હતો. તમામ 100નું આ ગ્રુપ મોડી રાતે અંધારાનો લાભ લઈને વાડ ઓળંગવાની પેરવીમાં હતા. સેન ડિઆગો સેક્ટર બોર્ડર પેટ્રોલિંગ એજન્ટનાં ધ્યાનમાં સરહદે થઈ રહેલી હિલચાલ આવી હતી એ પછી આ તમામને પકડી લેવાયા હતા.
પકડાયેલા વિદેશી નાગરિકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન બીજી એક ઘટનામાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ન્યૂરોસર્જન લોકેશ તંતુવાયાએ 3.3 કરોડ ડોલરનાં ભ્રષ્ટાચારનો આરોપ સ્વીકાર્યો હતો. ખાસ પ્રકારનાં દર્દીઓને નક્કી કરેલી હોસ્પિટલમાં મોકલ્યા હતા અને તેના બદલામાં એ હોસ્પિટલના માલિક પાસેથી રકમ વસૂલી હતી. આરોપી ડોક્ટરની 2021માં ધરપકડ થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500