Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમીન દલાલ સાથે રૂ.1.75 કરોડની ઠગાઇ

  • January 23, 2024 

સુરત શહેરના વેસુની કરોડો રૂપિયાની કિંમતી જમીનનો હક્ક રિલીઝ કરનાર ફોઇ અને વારસદારો પાસેથી પાવર મેળવી તેના આધારે પોતાના મળતીયાના નામે જમીન વેચાણનો સોદો કર્યા બાદ બારોબાર અન્યને રૂ. 3.11 કરોડમાં જમીન વેચાણનો સોદો કરી પેમેન્ટ પેટે રૂ.1.75 કરોડ મેળવી લીધા બાદ હાથ ઉંચા કરનાર વરાછાના ભેજાબાજ સહિત બે વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ સુરત શહેરના અઠવાલાઇન્સ-પાર્લેપોઇન્ટ સ્થિત નિલકંઠ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા જમીન દલાલ પિયુષ રણછોડ પટેલ (ઉ.વ. 46 રહે. શિવાંજલી બંગ્લોઝ, સરગમ શોપીંગ સેન્ટરની પાછળ, પાર્લેપોઇન્ટ, સુરત) નો વર્ષ 2022 માં પોતાના વકીલની ઓફિસમાં પુરૂષોત્તમ નાગજી પરમાર (રહે. તપશીલ સોસાયટી, હીરાબાગ સર્કલની, વરાછા) પરિચય થયો હતો.


પુરૂષોત્તમે વેસુના બ્લોક નં. 2887 વાળી જૂની શરતની જમીનના કુલમુખત્યાર અને ધનજી ઠાકરશી બોરડા (રહે. મેરી ગોલ્ડ ક્રિસ્ટા, વી.ટી. નગરની બાજુમાં, સરથાણા) ના નામે ખરીદી હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાલમાં ખેડૂતના હિસ્સા મુદ્દે દાવો ચાલે છે તે પુરો કરી જમીન ચોખ્ખી કરી આપવાની બાંહેધરી આપતા પિયુષે રૂ. 3.11 કરોડમાં જમીન ખરીદવાનો સોદો કરી નોટોરાઇઝ લખાણ કર્યુ હતું.


સોદા પેટે એડવાન્સ રૂ. 11 લાખ અને સાટાખત મુજબ મે 2022 માં રોકડા રૂ. 50 લાખ અને ત્યાર બાદ ટુક્ડે-ટુક્ડે મળી કુલ રૂ. 1.75 કરોડ ચુકવી દીધા હતા. પરંતુ ત્યાર બાદ પિયુષે જમીનના મૂળ માલિકના કન્ફર્મેશન કરાવ્યા બાદ બાકી પેમેન્ટ ચુકવવાનું કહેતા પુરૂષોત્તમે કન્ફર્મેશન આપી શકે એમ નથી એવું કહી પોતાના વકીલ સાથે મુલાકાત કરાવી હતી. જો કે મૂળ માલિક પાસેથી કન્ફર્મેશન મળે એમ ન હોવાથી વકીલની ઓફિસમાં સોદો કેન્સલ કરી 6 મહિનામાં રૂ. 1.75 કરોડ પુરૂષોત્તમે પિયુષને પરત ચુકવવાનું કહ્યું હતું. પરંતુ 6 મહિનામાં પેમેન્ટ ચુકવવાને બદલે વાયદા પર વાયદા કરી ધક્કે ચડાવ્યો હતો.



જેથી પિયુષે જમીનના મૂળ માલિક બિપીન ભાણાભાઇ પટેલ (રહે. કરિશ્મા સ્ટ્રીટ, મગદલ્લા) નો સંર્પક કરતા જાણવા મળ્યું હતું કે પોતાની વડીલોપાર્જીત જમીનમાં ફોઇ દેવીબેન નાનુભાઇ અને તેમના વારસદારોએ હક્ક રિલીઝ કર્યો હોવા છતા અને 7/12 માં તેઓના નામ ન હોવાની બાબતથી વાકેફ હોવા છતા તેઓનો પાવર પુરૂષોત્તમે મેળવી લઇ ધનજી બોરડાના નામે વેચાણ દસ્તાવેજ કરી આપી કાયદાકીય ગુંચ ઉભી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application