આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પારદર્શક રીતે થઇ શકે તે અર્થે ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલમાં દરેક જિલ્લામાં EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં દરેક મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્ર ખાતે એટલે કે જિલ્લાના કૂલ-06 મામલતદાર કચેરી ખાતે ઇવીએમ કેન્દ્રો તૈયાર કરવાની સાથે 3 મોબાઇલ વન દ્વારા ગ્રામ્ય કક્ષાએ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.તાપી જિલ્લામાં ગ્રામ્યસ્તરે નાગરિકોને ઇવીએમ મશીન નિદર્શન અને ઇવીએમની કામગીરી અંગે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે.
આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા અને વધુમાં વધુ લોકો મતદાનનું મહત્વ સમજી પોતાના મતનો ઉપયોગ કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અન્વયે તાપી જિલ્લાના વિવિધ ગામોમાં મોબાઇલ વાન અને જન સેવા કેન્દ્રો ખાતે મતદારોને જાગૃત કરવા અને EVM મશીન દ્વારા પોતાનો વોટ કેવી રીતે આપી શકે તે અંતર્ગત EVM નિદર્શન અને માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે.
ગ્રામજનોના પ્રશ્નો અને પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ મતદારો કોઇ પણ મુઝવણ વગર મતદાન કરી શકે તે માટે વિવિધ નોડલ ઓફિસરો, સુપરવાઝરો અને સેક્ટર ઝોનલો દ્વારા ખાસ તકેદારી રાખી ગ્રામ્ય સ્તરે ઇવીએમ મશીન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. EVM અંગેની જાગૃતતા માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન શરૂ કરવામાં આવી છે. જેના માધ્યમથી મોકપોલ આપવાનો ડેમો કરી તાદર્શ માહિતી આપવામાં આવી રહી છે. જેથી ગામડાનાં લોકોને પણ EVM મશીન વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે. આ કાર્યક્રમમાં નાગરિકો સહભાગી થયા હતા અને વિવિધ પ્રશ્નો જણાવી નોડલ ઓફિસરો પાસેથી સાચી માહિતી મેળવી મુંઝવણો દૂર કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500