કોરોનાની સંભવિત ત્રીજી લહેર સહિતના કોઈ પણ રોગચાળાને પહોંચી વળવા માટે જરૂરી સાધન સુવિધાઓથી સજ્જ થઈને અગમચેતીના જરૂરી તમામ પગલાઓ લેવાનો અનુરોધ કરતા મંત્રીએ ડાંગના પ્રજાજનોનુ સો ટકા વેકસીનેસન થાય, તે માટે સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, અને પદાધિકારીઓ સાથે ડાંગ જિલ્લાની 'કોરોના'ની સાંપ્રત પરિસ્થિતિ અંગે ચિંતન, મનન કરતા રાજ્યના વન, આદિજાતિ વિકાસ, અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો થી લઈ સિવિલ હોસ્પિટલ સુધી તમામ સ્તરે જરૂરી સાધન, સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
"કોરોના"થી બચવાનો એકમાત્ર ઉપાય 'વેકસીનેસન' જ છે તેમ ભારપૂર્વક જણાવતા મંત્રી ગણપતસિંહ વસાવાએ ગ્રામ્યસ્તરે પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિથી તાવતરિયા જેવા રોગોનો દેશી ઈલાજ કરતા જાણકારો, વૈધરાજ પણ તેમને ત્યા આવતા દર્દીઓને 'વેકસીનેસન' નુ મહત્વ સમજાવે તે જરૂરી છે તેમ જણાવ્યુ હતુ.રાજ્ય સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર આરોગ્ય સંસ્થાઓમા જરૂરી તમામ સાધન, સુવિધાઓનો વ્યાપ વધારવા માટે દિનરાત ચિંતા કરીને તે દિશામા પ્રયાસરત છે, ત્યારે પ્રજાકીય સહયોગ પણ આ મહામારી સામેના રક્ષણ માટે તેટલો જ જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
જનસામાન્યમા "કોરોના" સામે વ્યાપક જનજાગૃતિ કેળવાય તે અતિઆવશ્યક છે તેમ જણાવતા મંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રજાજનોને સ્વયં શિસ્તના પાઠ ભણાવવા માટે સ્થાનિક જનપ્રતિનિધીઓની ભૂમિકા પણ સ્પષ્ટ કરી હતી.સંભવિત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી ઓક્સિજન પ્લાન્ટ, રિફીલિંગની વ્યવસ્થા, ઓક્સિજન અને વેન્ટીલેટરની જરૂરી માત્રા બેડની સંખ્યા, દવાઓનો જથ્થો, ટેસ્ટિંગ કીટ, વેકસીનેસન સહિત જરૂરી મેનપાવર વિગેરેની ચર્ચા કરતા મંત્રીએ નાણાંના અભાવે કોઈ પણ કાર્ય અટકવાનુ નથી તેમ જણાવતા રાજ્ય સરકાર આ માટે જુદા જુદા સદરે નાણાંની જોગવાઈ કરીને પણ આ બાબતોની આપૂર્તિ કરશે તેમ જણાવ્યુ હતુ.
ગુજરાત સ્થાપના દિન : તા.૧લી મે થી રાજ્ય સમસ્તમા શરૂ થયેલા "મારુ ગામ, કોરોના મુક્ત ગામ" જન અભિયાનની જાત મુલાકાતે આવેલા મંત્રીએ તેમના ઝંઝાવાતી પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ, સાકરપાતળ, બોરખલ, સેવાધામ-આહવા સહિત લવચાલી ખાતે જનભાગીદારીથી શરૂ કરાયેલા 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર'ની મુલાકાત લીધી હતી. દરમિયાન આહવા ખાતે જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500