ભારતીય જૈન સંગઠન(BJS) અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘સ્માર્ટ ગર્લ: ટુ બી હેપ્પી, ટુ બી સ્ટ્રોંગ’ પ્રોજેક્ટનું લોન્ચિંગ સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. સંશોધન આધારિત તૈયાર કરાયેલા પ્રોજેક્ટમાં ૧૩ થી ૨૩ વર્ષની કિશોરી અને યુવાન દીકરીઓને પ્રવર્તમાન માહોલ વચ્ચે યોગ્ય શિક્ષણ અને સમજ દ્વારા ભાવનાત્મક રૂપે સક્ષમ બનાવવામાં આવશે. જેમાં ૬ ખાસ વિષયો, સ્વજાગૃતતા, સંવેદનશીલતા, મૈત્રી અને મોહનો ભેદ પારખવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને આત્મરક્ષા, સકારાત્મકતાનું નિર્માણ, તેમજ માતા-પિતા સાથેના હુંફાળા સંવાદ અંગે સમજ આપવામાં આવશે. આ સંદર્ભે આયોજિત ૨ દિવસીય વર્કશોપમાં શહેરના ૧૦૦ જેટલા શિક્ષકોને આ અંગે તાલીમબદ્ધ કેળવણી આપવામાં આવશે. જે અન્ય ૧૭૦૦ શિક્ષકોને તાલીમ આપી ૭૦ હજારથી પણ વધુ કિશોરી-યુવતીઓને આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગ સર્જિત ૨ પુસ્તકોનું વિમોચન કરાયું, જેમાં ૧ પુસ્તક નાની બાળકીઓ માટે તેમજ અન્ય યુવાન દીકરીઓ માટે અતિ ઉપયોગી છે.આ પ્રસંગે જિલ્લા અધિકારીશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં નાની ઉંમરે લગ્ન કરી લેતી તેમજ કુપોષિત દીકરીઓની ચિંતા વ્યક્ત કરી આ પ્રકારના કાર્યક્રમો અને વર્કશોપ ઉમરપાડા, માંગરોળ, મહુવા, ઓલપાડ જેવા અન્ય ગ્રામીણ વિસ્તારમાં કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. સાથે સંસ્થાના અગ્રણીઓને શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની અન્ય સંસ્થાઓ સાથે મળીને સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટને વેગ આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ભારતીય જૈન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાજેન્દ્ર લુંકરે જણાવ્યું કે, સમાજમાં આવનારા નાના મોટા બદલાવમાં શિક્ષણ અને શિક્ષકોનો અમૂલ્ય ફાળો છે. સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ અંતર્ગત આજના આધુનિક યુગમાં વર્તમાન પરિસ્થિતિને અનુકુળ માર્ગદર્શન દ્વારા કિશોરીઓને યોગ્ય દિશા મળશે. સાથે જ વિવિધ ગેમ્સ અને રસપ્રદ પદ્ધતિથી નિર્મિત આ પ્રોગ્રામ આજની નવી પેઢી સરળતાથી સમજી શકે તેવો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500