Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ઉગા ચીચપાડા સહિતના ગામમા કોરોનાને 'નો એન્ટ્રી'

  • May 06, 2021 

ડાંગ જિલ્લાની ત્રિભેટે આવેલુ ઉગા ચીચપાડા ગામ ડોકપાતળ ગ્રૂપ ગ્રામ પંચાયત હસ્તકનુ ગામ છે. જેની એક તરફ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનુ ખાંભલા, અને મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાનુ વડપાડા ગામ આવેલું છે. આ ગામના લોકો એ સ્વયં શિસ્ત સાથે સતત જાગૃતિ દાખવીને આજ સુધી આ ગામોમા 'કોરોના' ને પ્રવેશવા દીધો નથી.

 

 

 

 

આ અંગેની વિગતો આપતા ડોકપાતળ ગ્રૂપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રીમતી ઉશીલાબેન ગાયકવાડે ગર્વ સાથે જણાવ્યુ હતુ કે, બોર્ડર વિલેજ હોવા છતા આ ગામના લોકોએ છેલ્લા વર્ષેક થી જાહેર, અને સામાજિક કાર્યો ઉપર રોક લગાવીને, બિન જરૂરી આવાગમન બંધ કર્યું છે. જેને કારણે આ ગામોમા ઈશ્વરકૃપાથી હજી સુધી આ મહામારી પ્રવેશી શકી નથી. અગમચેતીના ભાગરૂપે ગામમા જ સામુહિક રીતે દેશી વનઔષધિઓનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમા 'ઉકાળો' તૈયાર કરી, એક એક ગ્રામજનોને પીવડાવાયો છે. સાથે સાથે પ્રત્યેક વ્યક્તિઓ સુધી સાવચેતીનો સંદેશ પહોંચાડીને આ ગામોને 'કોરોના મુક્ત' રાખી શક્યા છીએ, જેનો અમને આનંદ છે, એમ તેમણે ઉમેર્યુ હતુ.
 

 

 

 

આમારી પંચાયતના ચાર ગામો ડોકપાતળ, વાનરચોંડ, ઉગા ચીચપાડા, અને આંબાપાડા ગામોની કુલ ૩૫૮૬ ની આબાદી છે. ગ્રામજનોને  'કોરોના' ને આ ગામોમા પ્રવેશતો અટકાવવા માટે  સતત સામાજિક અંતર, ફેસ માસ્કનો ઉપયોગ, અને વારંવાર સાબુથી હાથ ધોવા જેવી બાબતે સમજણ આપીને જાગૃત કરાઈ રહ્યા છે તેમ જણાવતા ઉપ સરપંચ શ્રી કનુભાઈ વળવીએ, ગ્રૂપ ગ્રામ પંચાયત હસ્તકના કુલ ચાર ગામોમા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા કુલ ૪૩૦ વરિષ્ઠ નાગરિકો પૈકી ૩૨૮ વડીલોએ ઉત્સાહપૂર્વક વેકસીન લઈને, અન્ય ગ્રામજનોને પ્રેરણા પુરી પાડી છે તેમ જણાવ્યુ હતુ. બુઝુર્ગોની સાથે સરપંચ સહિતના જનપ્રતિનિધીઓ, અને આગેવાનોએ પણ રસી લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યુ છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

 

 

 

 

ગ્રામજનોના સાથ સહકાર સાથે તેમનામા રહેલી સ્વયં શિસ્તને કારણે અમે "કોરોના" ના કહેરથી હજી સુધી બચી શક્યા છીએ, તેમ જણાવતા સામાજિક અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ એ, તેમના વિસ્તારના ગામોમા અવારનવાર ગ્રામજનોની મુલાકાત, સરકારશ્રીની પ્રવર્તમાન માર્ગદર્શક સૂચનાઓની જાણકારી વિગેરે આપવાને કારણે અહીંના પ્રજાજનોમા ખાસ્સી એવી જાગૃતિ વર્તાઈ રહી છે તેમ જણાવ્યુ હતુ. વન ઔષધિઓના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને ગ્રામજનો 'સૌ સ્વસ્થ તો આપણે સ્વસ્થ'ની ભાવના સાથે સામુહિક રીતે અવારનવાર 'ઉકાળો' તૈયાર કરીને તાવતરિયા જેવા રોગોમા ઘરેલુ ઉપચાર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવામા આવી રહી છે તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

 

 

 

 

સામાન્ય શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને ગામમા જ તૈયાર કરાઇ રહેલા 'કોવિડ કેર સેન્ટર' મા દાખલ કરીને તેમના ચેપને ફેલાતો રોકવા માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે, તેમ જણાવતા પંચાયતના સભ્ય શ્રી બુધ્યાભાઈ ભોયે, રામચંદ વળવી, દુર્ગેશ ગાવીત,અને દૂધ મંડળીના મંત્રી શ્રીમતી સોનીબેન ભોયે એ અમારી પંચાયતના ચારેય ગામો હમેશા 'કોરોના મુક્ત' રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ના આહવાન મુજબ અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. જેના સારા પરિણામો મળે, સૌ ગ્રામજનો સ્વસ્થ અને સલામત રહે તે માટે અમે સંકલ્પબદ્ધ છીએ, તેમ એકસુરે જણાવ્યુ હતુ.

 

 

 

 

ઝાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમા આ ચાર પૈકી ત્રણ ગામો આવે છે. જ્યારે એક ગામ ડોકપાતળ સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવે છે તેમ જણાવતા ઝાવડા PHC ના લાયઝન ઓફિસર શ્રી બી.એમ.રાઉતે તેમના હસ્તકના ગામોમા 'કોરોના' સામે સાવચેતી એ જ ઉપાયના મંત્ર સાથે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે. જેના સારા પરિણામો અહીંયા જોવા મળી રહ્યા છે એમ જણાવ્યુ હતું.

 

 

 

 

આંતરરાજ્ય સરહદને અડીને આવેલા ગામોના લોકોએ સામુહિક જાગૃતિ દાખવીને 'કોરોના' ને પ્રવેશતો અટકાવવામા આજ સુધી સફળતા મેળવી છે. જે તેમની સ્વયં શિસ્ત અને સતર્કતા દર્શાવે છે. મુખ્યમંત્રીશ્રીનુ "મારુ ગામ, કોરોના મુક્ત" ગામ અહિયા સફળ થઇ રહ્યુ છે. જે આ વિસ્તારના ગ્રામજનોની જાગૃતિ દર્શાવે છે, તેમ જણાવતા ઝાવડા PHC ના મેડીકલ ઓફિસર ડો.ગર્વિના ગામીતે જણાવ્યુ હતુ. વેક્સીનેસન સહીતની આરોગ્યલક્ષી કામગીરીમા ગ્રામજનોના હકારાત્મક સહયોગને કારણે આ ગામો "કોરોના મુક્ત" રહી શક્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

 

 

 

 

આમ, કોરોના સંક્રમણના વ્યાપ વચ્ચે આંતરરાજ્ય સરહદને અડીને આવેલા બોર્ડર વિલેજના આ ગામોના જાગૃત ગ્રામજનો તથા સતર્ક જનપ્રતિનિધિઓની સજાગતા એ આ ગામોમા કોરોનાને "પ્રવેશ ઉપર પ્રતિબંધ છે" એમ કહી દીધુ છે.(અહેવાલ : મનોજ ખેંગાર)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application