Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘મારી માટી, મારો દેશ’ અભિયાન : ધરમપુરના બામટી ગામનાં જવાને કાશ્મીરમાં ચાલુ ફરજે જીવ ગુમાવ્યો હતો

  • August 25, 2023 

દેશભક્તિમાં બામટી ગામ અવવ્લ, અત્યાર સુધીમાં ૧૮ જવાનો વિવિધ ક્ષેત્રે માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે દેશની આઝાદી અને દેશની રક્ષા માટે બલિદાન આપનારા શહીદોની યાદમાં તા. ૩૦ ઓગસ્ટ સુધી દેશભરમાં આઝાદીના અમૃતકાળમાં ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન ચાલી રહ્યું છે. આ ઐતિહાસિક અભિયાન હેઠળ વીરોને વંદન કરાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામમાં એક બે નહીં પણ ૧૮ જવાનો દેશ સેવામાં જોડાયા છે. જેમાં એક સૈનિક દેશના ઈતિહાસમાં ગૌરવપૂર્ણ ગણાતા કારગીલ યુધ્ધમાં પણ જોડાયા હતા. વર્ષ ૨૦૦૮માં જમ્મુ કાશ્મીર સરહદ ઉપર ફિઝિકલ ટેસ્ટ દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા. તેમના આકસ્મિક અવસાન બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરંતુ હાલમાં ચાલી રહેલા ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન હેઠળ તેમની ગંગા સ્વરૂપા પત્નીનું સરકારે સન્માન કરી સ્વર્ગીય પતિનું દેશ પ્રત્યેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરાયો હતો. શહીદોના સન્માનમાં ઉજવાય રહેલી ‘‘મારી માટી, મારો દેશ’’ ઝુંબેશે લોકોમાં દેશભક્તિનો માહોલ પેદા કર્યો છે. બહાદુર નાયકોની બહાદુરી અને બલિદાનની યાદમાં શરૂ થયેલી આ પહેલ શહીદ નાયકોને સાચી શ્રદ્ધાંજલિ આપી રહી છે.



ધરમપુરના બામટી ગામમાં ઘોઘરપાટી ફળિયામાં રહેતા અંબેલાલ બાબુભાઈ પટેલે ૨૦ વર્ષ સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં નોકરી કરી દેશ સેવા કરી હતી. નિવૃત્તિને માંડ ૧૫ દિવસ જ બાકી હતા ત્યારે કાશ્મીર સરહદ ઉપર ફિઝિકલ ટેસ્ટ દરમિયાન હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા હતા. તેઓ પોતાની ૧ મહિનાની દીકરીનું મોઢુ પણ જોઈ શકયા ન હતા. આજે પણ એ દિવસને યાદ કરી તેમના વિધવા પત્ની રેખાબેન રડી પડે છે. તેઓ જણાવે છે કે, તા.૨૨ નવેમ્બર ૨૦૦૮ના રોજ મારા પતિનું અવસાન થયું હતું. ત્યારે મારો મોટો પુત્ર જયરાજ માત્ર ચાર વર્ષનો હતો તેને પિતાની હૂંફ મળી હતી પણ દીકરી જીનલનો જન્મ થયાને માંડ એક મહિનો થયો હતો. પોતાની લાડકવાયી દીકરીને જોવા માટે આંખોમાં ભારે અરમાન અને સપના સજાવનાર મારા પતિએ અચાનક વસમી વિદાય લેતા અમારા પર આભ તૂટી પડ્યું હતું.



દીકરીના જન્મના ૧૫ દિવસ બાદ તેમની સાથે વાત થઈ ત્યારે તેઓ દીકરીના જન્મથી પરિવાર પરિપૂર્ણ થયુ અને થોડાક દિવસ બાદ હું ઘરે આવી મારી લાડકી દીકરીને રમાડીશ એવી વાત કરી ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. કાશ્મીરમાં ફિલ્ડ ફિઝિકલ એફિશીન્યસી ટેસ્ટ આપતી વેળા ઢળી પડતા તેઓ મોતને ભેટયા હતા. તેઓ સાથે અગાઉ વાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, ૧૯૯૯માં કારગીલ યુધ્ધ થયુ હતું ત્યારે પણ તેઓ ગયા હતા. જે વાતનો તેમણે ગર્વ અનુભવ્યો હતો. હવે અમારી પાસે તેમની દેશભક્તિ અને દેશ સેવાની યાદો જ રહી છે. સરકાર દ્વારા દર મહિને રૂ. ૧૨ હજાર પેન્શન મળે છે તેમાંથી બે બાળકોનું ભણતર અને પરિવારનો ખર્ચ ઉપાડી રહી છું. સરકાર દ્વારા મારા પતિની દેશ સેવાની નોંધ લેવાઈ અને સન્માન થયુ તે બદલ ગૌરવ અનુભવુ છું.



વિવિધ ક્ષેત્રે દેશની રક્ષા કરવામાં બામટી ગામ મોખરેઃ સરપંચ બામટી ગામના સરપંચ વિજયભાઈ પાનેરિયાએ કહ્યું કે, અમારુ ગામ દેશ ભક્તિના રંગે રંગાયેલું છે. દેશની રક્ષા માટે આર્મી, નૌસેના, બીએસએફ, પોલીસ સહિતની વિવિધ સેવામાં બામટી ગામ મોખરે છે. સ્વ. અંબેલાલભાઈ કાશ્મીર બોર્ડર પર દેશની રક્ષા કરતા હતા અને કારગીલ યુધ્ધમાં પણ તેઓ જોડાયા હતા તેનો અમને ગર્વ છે. સૈનિક સ્વ. અંબેલાલભાઈના ઘરનો વેરો આજીવન માફ કરાયોઃ તલાટી કમ મંત્રી બામટી ગામના તલાટી કમ મંત્રી જયેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, અંબેલાલભાઈએ પોતાના જીવનનો અમૂલ્ય સમય પરિવારને બદલે દેશ સેવામાં સમર્પિત કર્યો હતો અને નિવૃત્તિના સમયે ચાલુ નોકરીએ જ મરણ પામ્યા હતા. જે તેમની દેશ પ્રત્યેની ઉમદા ભક્તિ બતાવે છે. તેમના બલિદાનને ધ્યાને લઈ તેમના ઘરનો વાર્ષિક રૂ.૧ હજારનો વેરો ગ્રામ પંચાયત દ્વારા આજીવન માફ કરી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application