Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડિજિટલ યુગમાં બાળકોને ટેક્નોલોજી સાથે જોડીને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ આપતુ 'માંગુ' ગામ

  • July 25, 2023 

વિદ્યાર્થીઓ આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ સર્વોપરી છે. શિક્ષણ થકી જ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની જીવન મંજિલ સુધી પહોંચી શકે છે અને વિદ્યાર્થીઓના જીવનના ઘડતરની શરૂઆત શાળાના પટાંગણમાંથી થાય છે. દેશના પ્રત્યેક દીકરા-દીકરી આત્મવિશ્વાસથી પોતાની પાંખો પસરાવી આકાશમાં ઊંચી ઉડાન ભરી શકે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકારે ડિજિટલ યુગમાં શિક્ષણની સાથે ટેક્નોલોજીમાં પણ આગળ વધીને શહેર સહિત ગ્રામીણ શિક્ષણને પણ વિશેષ ભાર આપ્યો છે. પ્રકૃતિના ખોળે વસેલુ, બાહુલ આદિવાસી વિસ્તાર ધરાવતો એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકો પણ ઉત્સાહ, ઉમંગથી અભ્યાસમાં રસ-રૂચી લે, પોતાની આવડત અને કૌશલ્યને શોધે તથા પોતાની ઉજ્જવળ કારકિર્દીના નિર્માણની દિશામાં આગળ વધે તે માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, માળખાકિય સુવિધાઓ સહિત અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ શાળામાં ઉપલબ્ધ કરાવીને બાળકોને સુવર્ણ ભવિષ્યનો એક અવસર આપીને તેમના સપનાઓની ઊંચી ઉડાનને પાંખ આપી છે.



નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લાના પ્રત્યેક વિદ્યાર્થીઓને ગુણાત્મક શિક્ષણ, માળખાકીય સુવિધાઓ, અધ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ, શિક્ષણ સહિત અનેકવિધ પ્રવૃતિઓમાં રૂચિ કેળવવા માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. શાળાના બાળકોને આપણા દેશનું ભવિષ્ય કહેવાનો તાત્પર્ય એ જ છે કે, આજનું બાળક આવતી કાલના ભવિષ્યમાં ભારત દેશની વિકાસયાત્રામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી સમાજ, રાજ્ય-રાષ્ટ્ર નિર્માણમાં વિકાસનો નવો અધ્યાય સેતુ તૈયાર કરવાની અપાર ક્ષમતા ધરાવે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોના કારકિર્દી ઘડતરની વાત કરતા પહેલા તિલકવાડા તાલુકાના માંગુ ગામની ટૂંકમાં રસપ્રદ માહિતી મેળવીએ તો ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યુ હતુ. જો કે, અપવાદરૂપ માંગુ ગામને ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ન કરાતા ગ્રામજનોએ શૈક્ષણિક સુવિધાઓ સહિત પોતાના ગામના હક્ક માટે ઝુંબેશ ચલાવીને ગામ-ગ્રામ પંચાયતની માંગ કરી હતી.



ગામને મંજૂરી મળ્યા બાદ નવનિર્મિત આ ગામ “માંગુ” તરીકે ઓળખાયુ. ગુજરાત રાજ્યનું સૌથી નાનુ આ ગામ પોતાની અલાયદી ગ્રામ પંચાયત ધરાવતા માંગુ ગામના લોકો ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા છે, અને કપાસ, તુવેર, બાજરી, કેળની ખેતી પાકો મુખ્ય વ્યવસાય છે. માંગુ ગામનો કુલ સાક્ષરતા દર ૫૮.૧૫ ટકા છે. જેમાં પુરુષો ૭૪.૧ અને સ્ત્રીઓ ૪૨.૪ ટકા સાક્ષરતા દર ધરાવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પશુ ચિકિત્સાલય, વાહન વ્યવહાર, વીજળી-પાણી, રસ્તાઓ, આંગણવાડી સહિતની સુવિધાઓ છે. માહિતી ખાતાની ટીમને શાળાની માહિતી આપતા ગામની મુખ્ય શિક્ષિકા ધારાબેન પટેલ શાળાએ ભૂતકાળની રસપ્રદ વાતો પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પંચાયતી રાજ અમલમાં આવ્યુ અને સઘન પ્રયાસો બાદ માંગુ ગામને એક નવી ઓળખ મળી હતી. ગ્રામજનોએ પણ ગામના વિકાસના પ્રથમ પગથિયાના સ્વરૂપે શિક્ષણને પ્રાધાન્ય આપીને પંચાયત ઘરમાં કરવામાં જ શાળાની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની જાગૃતતા વિશે ચર્ચા કરતા શ્રીમતી પટેલ કહે છે કે, ગ્રામજનો પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને ખૂબ મહત્વ આપીને અભ્યાસ પ્રત્યે પ્રેરિત કરે છે.



વૈશ્વિક મહામારી કોરોના રોગચાળાના સમયમાં ઓનલાઈન શૈક્ષણિક પ્રક્રિયા તેમજ ફળિયા શિક્ષણ, ટીમ્સ એપ્લિકેશનના ઉપયોગથી બાળકોના અભ્યાસમાં અવરોધ ન આવો તેની કાળજી શાળાએ લીધી હતી. વર્ષ ૧૯૮૫ થી આજદિન સુધી માંગુ ગામમાં અંદાજિત ૧૦ જેટલા શિક્ષકોએ પોતાની ફરજ બજાવીને ૨૪૨ બાળકોને શિક્ષિત કરી ચૂક્યા છે. હાલ ગામમાં ૨૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે માટે ૨ શિક્ષિકાઓ કાર્યરત છે. કહેવત છે ને “મન હોય તો માળવે જવાય”, વર્ષ ૨૦૨૩ માં ગુણોત્સવની પ્રક્રિયામાં શાળાને A પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો છે, અને ૮૭.૭૦ ટકા સાથે સમગ્ર ગુજરાતમાં ૪૧ મો ક્રમ મેળવી પ્રગતિના સોપાન શાળાએ સર કર્યા છે. માંગુ ગામની શાળા માટે આ એક ઐતિહાસિક સિધ્ધિની ક્ષણ કહી શકાય છે અને ગામ સહિત નર્મદા જિલ્લા માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. શાળાના બાળકોને અધ્યતન ટેક્નોલોજીના માધ્યમથી સ્માર્ટ ટી.વી., ટેબલેટ, G શાળા, રીડ અલોન્ગ ટીમ્સ જેવી એપ્લિકેશનો ઉપયોગ થકી સ્માર્ટ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવે છે.



શાળા પરિવારે વાલીઓને વોટ્સએપ ગૃપમાં સામેલ કરીને શાળાની અનેકવિધ પ્રવૃતિઓ તથા બાળકોના શૈક્ષણિક ગ્રાફની અવારનવાર જાણ આપવામાં આવે છે. માંગુ પ્રાથમિક શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોને અનેક પ્રવૃતિમાં ભાગીદારી નોંધાવવા શિક્ષકો પ્રોત્સાહિત કરે છે. વિજ્ઞાન મેળા, પ્રવાસ પર્યટન, પી.એમ પોષણ અંતર્ગત થતી કામગીરી, શાળા પુસ્તકાલયની લગતી કામગીરી, જમીન સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓ, પર્યાવરણના રક્ષણ માટેની ભાવના કેળવીને બાળક ભવિષ્યમાં સમાજનો સારો નાગરિક બને તેના પર વિશેષ ભાર આપવામાં આવે છે.



શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા પણ વાલી મિટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત-ગમત, સ્વચ્છતા અને આરોગ્યને લગતી પ્રવૃત્તિઓ, વિવિધ પ્રોજેક્ટ કાર્યો, એકમ કસોટી, દૂધ સંજીવની યોજનાનો લાભ, બાળમેળો, કિચન ગાર્ડન શાળા, આરોગ્ય તપાસણી જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવીને બાળકોને ગુણવત્તયુક્ત શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે તેની પુરતી કાળજી લેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જે માંગુ પ્રાથમિક શાળા સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યુ છે. જેવી રીતે માંગુ ગામે શિક્ષણની આ અવિરત સફરમાં બાળકોને એક ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે પ્રયાસો કર્યા છે તે ખરેખર પ્રસંશનીય છે. માંગુ ગામે અન્ય ગ્રામજનો, વાલી તથા શાળાને પ્રેરણારૂપ ઉદાહરણ પુરુ પાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application