સુરત જિલ્લાના કીમ-સાયણ રાજ્ય ધોરીમાર્ગ ઉપર બાઈક ઉપર જતા બે મિત્રોને સાયણની હદમાં અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોટી નરોલીના યુવકનું કરૂણ મોત થયું છે. બાઈક પાછળ બેઠેલા તેના મિત્રને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મિતેશ દિનેશભાઈ પટેલ (ઉ.વ.૩૦) સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે મંદિર ફળિયામાં રહી કોસંબા ખાતેની વી.એસ. પટેલ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. તેમનો નાનો ભાઈ હિરેન (ઉ.વ.૨૭) ગત તારીખ ૨૭ના રોજ રાત્રે તેની બાઈક નંબર જીજે/૧૯/બીજી/૮૭૭૬ લઈ કીમથી સાયણ તરફ જઈ રહ્યો હતો. આ સમયે તેની બાઈક સીટ પાછળ મિત્ર જિતેન્દ્ર તલાઈ પણ બેઠો હતો.
બંને મિત્રો જયારે રાત્રે સાયણની હદમાં ઘોડાતબેલા સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા બંને મિત્રો રોડ ઉપર પટકાતા હિરેનને માથા, હાથ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે જિતેન્દ્ર તલાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સાયણ ખાતેની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હિરેનને તપાસી મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત જિતેન્દ્ર તલાઈને વધુ સારવાર અર્થે સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા હાલમાં તેની સારવાર ચાલુ છે. જો કે અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના બાબતે મૃતકના મોટાભાઈ મિતેશ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application