નવસારીના વિજલપોર મમતા મંદિર સામેના રોડ ઉપર બે બાઈક સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ યુવકોને ઈજા પહોંચી હતી. મિતેશભાઈ અમૃતભાઇ ટંડેલ (ઉ.વ.૩૩, રહે.રામ ફળિયું, કૃષ્ણપુર ગામ, તા.જલાલપોર, નવસારી) ગોલ્ડી સોલાર કંપનીમાં કામ કરે છે.
તેઓ રાત્રીના અરસામાં મોપેડ લઈને નાઈટ ડ્યૂટી પર જતા હતા તે વખતે એરૂ ચાર રસ્તા નજીક મમતા મંદિર સ્કૂલના સામેના રોડ ઉપર સામેથી ઘેલખડીમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી ઘરે પરત ફરી રહેલા ટ્રિપલ સવારી આવતા ત્રણ યુવકોની બાઇક સામેથી આવતા મિતેશભાઈની મોપેડ સાથે ધડાકાભેર અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પામેલા મિતેશભાઇ ટંડેલને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
જ્યારે સામે બાઇકસવાર ત્રણ પૈકી કરણ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૧૭), કેતન સુક્કરભાઈ રાઠોડ (ઉ.વ.૧૭) અને નિખિલ નવિનભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) (તમામ રહે.હળપતિવાસ, ભૂતસાડગામ, જલાલાપેર, નવસારી)ને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નવસારી સિવિલમાં લવાયા હતાં. જ્યાં બાઈક ચાલક કરણ રાઠોડની હાલત નાજુક હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવ અંગે જલાલપોર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500