વલસાડ જિલ્લાનાં આવધા ગામે રહેતી મહિલા તેના પુત્રની બાઈક ઉપર બેસીને ચીખલી ખાતે સારવાર માટે દાખલ પતિ પાસે જવા માટે નીકળી હતી. જોકે માતા-પુત્ર સાથે પાડોશી દંપતી અને મહિલાનાં વેવાઈ સહિતનાં ૬ વ્યક્તિ ત્રણ અલગ અલગ બાઈક ઉપર ચીખલી જવા માટે નીકળ્યા હતા. તે સમયે બિલપુડી ગામેથી પસાર થઈ રહેલા ટેમ્પોનાં ચાલકે કોઈ પણ કારણ વિના અચાનક બ્રેક મારી દેતા, પીકઅપ પાછળ આવી રહેલી ત્રણેય બાઈક ટેમ્પો સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ધરમપુર તાલુકાનાં આવધા ગામનાં ચીખલપાડા ફળિયા ખાતે રહેતા પિયુષભાઈ રણજિતભાઈ કુંવર પોતાની બાઈક ઉપર સવાર થઈને માતા સુમિત્રાબેન સાથે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતા રાણજીતભાઈને મળવા જઈ રહ્યા હતા.
તેમની સાથે ગામના રહીશ મુકેશભાઈ રમણભાઈ સાપટા, તેની પત્ની આશાબેન બીજા બાઈક ઉપર અને ત્રીજી બાઈકના ચાલક કવલભાઈ સાથે સોમાભાઈ વૈજલ પણ જવા ચીખલી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બિલપુડી ગામના ડેરી ફળિયા પાસેથી પસાર થતી વેળાએ તેઓની આગળ ચાલી રહેલા પીકઅપ ટેમ્પોનાં ચાલક સુનિલ મોહન ભોયા (રહે.તુતરખેડ, મોગરા ફળિયા,ધરમપુર)એ અચાનક પીકઅપ ટેમ્પાની બ્રેક મારતા પાછળ ચાલી રહેલી ત્રણેય બાઈકો પીક અપ ટેમ્પાનાં પાછળનાં ભાગે અથડાઈ પડી હતી. આમ, અકસ્માતમાં ત્રણ બાઈક પર સવાર તમામ ૬ લોકો રોડ પર પટકાયા હતા. જ્યારે પિયુષભાઈની બાઈક પર સવાર તેની માતા સુમિત્રાબેનને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જયારે બાઈક સવાર અન્ય ૫ વક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુમિત્રાબેનને બેભાન અવસ્થામાં ઈમરજન્સી ૧૦૮માં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ફરજ પરનાં તબીબે સુમિત્રાબેનને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરી હતી. જે બાબતની ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500