નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની જોડાયેલી મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તારીખ 11 એપ્રિલ, 2025 ના દિવસે ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ મોકલી છે. આ ઉપરાંત, મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે, જે તે બિલ્ડિંગના 7માં, 8માં અને 9માં માળે ભાડે છે. હવે તેમણે દર મહિનાનું ભાડું ED ને જમા કરાવવાનું રહેશે.
EDની તપાસમાં જાણવા મળ્યું કે, આ કેસમાં લગભગ 988 કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું. જેના કારણે 20 નવેમ્બર, 2023 ના દિવસે AJLની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી હવે 10 એપ્રિલના દિવસે કોર્ટ દ્વારા મંજૂર થઈ ગઈ છે. નવેમ્બર 2023 માં, ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો તેમજ 90.2 કરોડ રૂપિયાના AJL શેરને કામચલાઉ રીતે જપ્ત કર્યા હતા. સમગ્ર મામલો ડો.સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી શરૂ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓએ માત્ર 50 લાખ રૂપિયા આપીને AJLની 2000 કરોડ રૂપિયાની મિલકત હડપ કરી લીધી હતી. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે એ પણ બહાર આવ્યું કે નકલી દાન, ખોટા ભાડા અને નકલી જાહેરાતો દ્વારા 85 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ઉચાપત કરવામાં આવી હતી. હવે EDએ આ મિલકતોનો કબજો લેવા માટે નોટિસો મોકલી છે અને તેનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500