ભાવનગરથી હરિદ્વાર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને હવેથી દ્વિ-સાપ્તાહિક કરવામાં આવી છે. દર સોમવારની સાથે આગામી ૧૩મીથી દર ગુરૂવારે પણ હરિદ્વાર ટ્રેન ભાવનગરથી દોડશે. આ ટ્રેન રસ્તામાં ૩૭ સ્ટેશન પર ઉભી રહેશે. ગુરૂવારે દોડનારી ટ્રેનની ટિકિટનું બુકિંગ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. યાત્રિકોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં સોમવાર અને ગુરૂવાર એમ બે દિવસ પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે.
જેથી આગામી ૧૩મી ફેબુ્રઆરથી દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસથી રાત્રે ૮-૨૦ કલાકે હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક ટ્રેન ઉપડી શનિવારે પ્રાતઃ (મધરાત્રિ) ૩-૪૦ કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે તા.૧૫-૨થી દર શનિવારે વહેલી સવારે (પ્રાતઃ) ૦૫ કલાકે હરિદ્વારથી ઉપડી રવિવારે બપોરે ૧૨ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આમ, ભાવનગરથી જતા મુસાફરોને હરિદ્વાર પહોંચવામાં ૩૧ કલાક અને ૨૦ મિનિટ લાગશે. જ્યારે હરિદ્વારથી ભાવનગર આવવામાં ૩૧ કલાકનો સમય લાગશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી (જં), ધાનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી (જં), જોધપુર, ડેગાના (જં), છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ (જં), ચૂરૂ (જં), સાદુલપુર (જં), હિસાર (જં), જાખલ (જં), સુનામ ઉધમસિંહ વાલા, ધૂરી (જં), પટિયાલા, રાજપુરા (જં), અંબાલા કેન્ટ (જં), સહારનપુર (જં) અને રૂડ કી સ્ટેશન મળી કુલ ૩૭ સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે. આ ટ્રેનની ટિકિટનું બુકિંગ તા.૧૧-૨ને મંગળવારથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે તેમ ભાવનગર ડીઆરએમ અને સિનિયર ડીસીએમએ જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500