વલસાડમાં પારડી તાલુકાનાં મોતીવાડાનાં પટેલ ફળિયામાં આવેલા એક બંગ્લા બહાર પતરાનાં શેડમાં રેડ કરી ચેક કરતા બંગ્લાનાં માલિક અને પૂર્વ ડેપ્યુટી સરપંચ સહિત 5 લોકોને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, પોલીસને જોઈ ફરાર થયેલા 5 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવની વિગત એવી છે કે, પારડી પોલીસની ટીમ નવરાત્રિ પર્વને ધ્યાને રાખીને પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, મોતીવાડા ગામના પટેલ ફળિયામાં આવેલા રમેશભાઈ છીબુભાઈ પટેલના બંગ્લા આગળ આવેલી ખુલ્લી જગ્યામાં પતરાના શેડમાં લાઈટના અજવાળે કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા છે. જે બાતમીનાં આધારે પારડી પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા.
જોકે, પોલીસને જોઈને જુગારીઓએ અલગ-અલગ વિસ્તારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને 5 લોકો ફરાર થતા વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ પોલીસે દાવ ઉપર લાગેલા રોકડા રૂપિયા તેમજ અંગઝડતી દરમિયાન કુલ 42 હજાર રૂપિયા રોકડા મળી આવ્યાં હતા અને 9 વાહનો તેમજ 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500