સોનગઢનાં જુનાગામ રોડ પર વર્ષોથી બંધ પડેલ એક અવાવરું મકાનનાં વાડાનાં ભાગમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતક અજાણ્યા ઈસમની ઓળખ માટેના પ્રયત્ન શરૂ કર્યા હતાં અને આ ઈસમનું મોત ત્રણ ચાર દિવસ પહેલાં થયું હોવાનું લાગી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં જુનાગામ મેઈન રોડ પર સૂરજ કોમ્પલેક્ષની સામે રોહિતભાઈ અગ્રવાલનું બંધ મકાન આવેલ છે. જોકે રોહિતભાઈ અને તેમના ભાઈઓ અન્ય સ્થળે રહેવા ચાલી જતાં આ મકાન હાલ ઘણા વર્ષથી બંધ સ્થિતિમાં છે.
જેથી સોમવારનાં રોજ સાંજનાં સમયે સોનગઢમાં જીઓ ફાઇબર કેબલ ખેંચવાની કામગીરી કરતા કર્મચારીઓ આ બંધ મકાનનાં નજીક આવેલ એક ધાબા પર ચડી કામ કરતાં હતાં. તે દરમિયાન બંધ મકાનનાં વાડાનાં ભાગે આવેલ બાથરૂમ પાસે એક અજાણ્યા ઈસમની લાશ તેઓ ને નજરે પડતા તેઓ ગભરાઈ ગયાં હતાં અને તેમના કોન્ટ્રાકટરને વાત કરી હતી. જોત જોતામાં બંધ મકાનનાં વાડામાં લાશ હોવાની વાત ગામમાં ફેલાઈ જતાં લોકો કુતૂહલવશ ભેગા થઈ ગયાં હતાં. ઘટના અંગે સોનગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંધ મકાનનું તાળું તોડી સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જેની લાશ મળી આવી છે તે અજાણ્યા પુરુષની ઉંમર 40થી 45 વર્ષની હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો અને એ બાથરૂમનાં દરવાજા પાસે ચત્તી હાલતમાં પડ્યો હોવાનું જોવા મળ્યું હતું.
જયારે મરણ જનાર ઈસમે ડાબા હાથના ભાગે ઘડિયાળ બાંધી હતી અને શરીરે ગ્રે-કલરનું શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલ છે. તે સિવાય અજાણ્યા ઇસમની ઓળખ કરી શકાય એવા કોઈ ચિહ્ન મળી આવ્યા ન હતા. ઇસમની લાશની સ્થિતિ જોતાં તેનું મૃત્યુ અંદાજિત ત્રણ ચાર દિવસ પહેલાં થયું હોવાનું લાગી રહ્યું છે અને આ યુવક કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ માટે બંધ મકાનમાં ઘૂસ્યો હોવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. એ સિવાય તેની લાશ નજીકથી કેટલીક નવી થાળી મળી આવી હતી અને ઇસમનાં હાથમાં ઘડિયાળ જોવા મળી હતી. જ્યારે કમરથી ઉપરનો ભાગ કાળો પડી ગયો હોય એવું પણ જોવા મળ્યું હતું. આ ઈસમ બંધ મકાનમાં ક્યાં કારણોસર ઘૂસ્યો હતો એ અંગે સ્થાનિક લોકોમાં અનેક વાતો ચાલી રહી છે. ઘટના અંગે સ્થાનિક અને જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500