સોનગઢનાં જમાદાર ફળિયામાં આવેલા બે મંદિરમાં દાન પેટી તોડી રોકડા રૂપિયા 6,000/-ની ચોરી થઈ હોવાનો બનાવ નોંધાયો હતો. આ બનાવમાં તાપી એલ.સી.બી. પોલીસે સ્થાનિક ઈસમને દબોચી લીધો હતો અને તેણે બંને ઠેકાણે ચોરી કરી હોવાની કબૂલાત પણ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં જમાદાર ફળિયામાં આવેલા નાગનાથ મહાદેવ અને હનુમાનજીના મંદિરની દાન પેટી તોડી અજાણ્યો ચોર દાનમાં મળેલી અંદાજિત રૂપિયા 6,000/-ની રોકડ અને પરચૂરણની ચોરી કરી નાસી ગયો હોવાની ફરિયાદ સોનગઢ પોલીસમાં નોંધાયેલી હતી. મંદિરના પૂજારી શરદભાઈ સામાજિક કામ અર્થે નંદુરબાર ગયાં હતાં ત્યારે પાછળથી કોઈએ આ કામ ને અંજામ આપ્યો હતો.
આ ચોરીના બનાવ અંગે તપાસ કરતાં તાપી એલ.સી.બી.નાં સ્ટાફને બાતમી મળી હતી કે, ચોરીનાં બનાવને જમાદાર ફળિયા સોનગઢમાં જ રહેતો જીતેશ ઉર્ફે કાળિયા છનાભાઈ ગામીત નામના આરોપીએ અંજામ આપ્યો છે. જેથી તાપી એલ.સી.બી.એ આરોપીની તપાસ શરૂ કરતાં એ ફળિયામાંથી જ મળી આવ્યો હતો. તેની અટક કરી કડક પૂછપરછ કરતાં બંને મંદિરમાં થયેલી ચોરી તેણે જ કરી હોવાની કબૂલાત આપી હતી. તાપી એલ.સી.બી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી જીતેશને સોનગઢ પોલીસ મથકે સોંપી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500