Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Fraud : વેપારી સાથે રૂપિયા 55.12 લાખની ઠગાઈ કરનાર ત્રણ સામે પોલીસ ફરિયાદ

  • August 03, 2022 

ફેસબુક મારફતે સંપર્કમાં આવેલા રાજકોટના વેપારીએ આપેલા રેફરન્સના આધારે સુરતના સોપારીના હોલસેલ વેપારીએ આસામના વેપારી અને ભાગીદાર પાસેથી સોપારી અને કાળા મરી ખરીદવા એડવાન્સ રૂપિયા 75.12 લાખ આપ્યા હતા. જોકે, ત્રણેય માત્ર રૂપિયા 17.50 લાખનો માલ મોકલી અને રૂપિયા 2.50 લાખ પરત કરી બાકી માલ નહીં મોકલી ઘરેથી ફરાર થઈ જતા વેપારીએ ત્રણેય વિરુદ્ધ રૂપિયા 55.12 લાખની ઠગાઈની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી.




ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના પુણાગામ રોડ અયોધ્યાનગર સોસાયટી મકાન નં.166માં રહેતા 29 વર્ષીય ગીરીશભાઈ જીવનભાઈ ડોબરિયાએ વર્ષ 2021માં પરવત પાટીયા રઘુવીર ટેક્ષટાઈલ મોલમાં સ્ટાર લાઈન એક્ષીમ નામે સોપારીનો હોલસેલમાં વેપાર શરૂ કર્યો હતો.




જોકે વર્ષ અગાઉ ફેસબુક મારફતે તેમનો પરિચય રાજકોટમાં સોપારીનો વેપાર કરતા નિખીલ પટેલ સાથે થયો હતો અને તેની સાથે અવારનવાર ધંધાની વાત થતી હતી. ગીરીશભાઈએ તેને જથ્થાબંધ સોપારી ખરીદવા માટે પૂછતાં તેણે ઓળખીતા મુસ્તુફા કમલ મઝમુદાર ઉર્ફે અકરમ (રહે.339, મઝમુદાર લાઈન, કનકપુર 2, રંગીરા ખારી, સીલચર, આસામ )નો રેફરન્સ આપ્યો હતો. ગીરીશભાઈએ તેની સાથે ફોન પર વાત કરતા અકરમે સુરત આવે ત્યારે રૂબરૂ મળવા કહ્યું હતું.




ત્યારબાદ 10 દિવસ બાદ અકરમે ગીરીશભાઈને ફોન કરી પોતે અમદાવાદથી મુંબઈ જાય છે તો કડોદરા મળવા આવો તેમ કહેતા ત્યાં મળવા ગયા ત્યારે અકરમે પોતાનો સોપારી અને કાળા મરીનો વેપાર છે અને પેમેન્ટ એડવાન્સ લઈ ટ્રાન્સપોર્ટમાં માલ મોકલીશ તેવી વાત કરતા ગીરીશભાઈએ સપ્ટેમ્બર 2021થી મે 2022 દરમિયાન ઓનલાઈન રૂપિયા 56.12 લાખ અને રોકડા રૂપિયા 17.50 લાખ અકરમના ઘરે ગયા હતા ત્યાં ચૂકવ્યા હતા.




આમ ગીરીશભાઈ આસામ ચારેક મહિના અવારનવાર જતા હતા તે દરમિયાન અકરમે પોતાનો ધંધો સંભાળતા ભાઈ મહેબુબુલ કમલ મઝમુદાર ઉર્ફે સમ્મી તેમજ ભાગીદાર અમઝદ હુસેન લશ્કર સાથે કરાવી હતી. તે અરસામાં અકરમે કુલ રૂપિયા 73.62 લાખના એડવાન્સ પેમેન્ટની સામે રૂપિયા 17.50 લાખનો માલ મોકલ્યો હતો, જયારે રૂપિયા 2.50 લાખ પરત કર્યા હતા.




ગીરીશભાઈએ બાકી રૂપિયા 53.62 લાખની સોપારી અને કાળા મરીનો માલ મોકલી આપવા અથવા પૈસા પરત કરવા અકરમને કહ્યું હતું પણ તે મોકલતો નહોતો. આથી ગત તા.24 મે ના રોજ ગીરીશભાઈ આસામ ગયા હતા અને અકરમ તેમજ તેના ભાઈને મળતા અકરમે માલ તૈયાર છે ટ્રાન્સપોર્ટના રૂપિયા 1.50 લાખ આપો તેમ કહેતા ગીરીશભાઈએ તે પૈસા પણ સમ્મીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ગીરીશભાઈ તે સમ્યે તેમના ઘરે જ રોકાયા હતા.




ગત તા.30 મે ના રોજ અકરમે તમારો માલ મોકલ્યો હતો તે મેઘાલય ખાતે પકડાઈ ગયો છે તેવું કહેતા ગીરીશભાઈએ ડ્રાઈવરનો મોબાઈલ નંબર માંગ્યો તો તે આપ્યો નહોતો અને બંને ઘરેથી ભાગી ગયા હતા. બનાવ અંગે ગીરીશભાઈએ સુરત આવી અરજી કરી હતી. તેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ અકરમ, તેના ભાઈ અને ભાગીદાર વિરુદ્ધ રૂપિયા 55.12 લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application