બે વર્ષ પહેલાં 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્ર વતનમાં ભગાડી જઈને એકથી વધુવાર શરીર સંબંધ બાંધી પોક્સો એક્ટનો ભંગ કરનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે દોષી ઠેરવી 20 વર્ષની સખ્તકેદ, રૂપિયા 2 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનારને 3 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનાં બુલઢાણા જિલ્લાનાં ચીખલી તાલુકાનાં રહેવાસી 21 વર્ષીય આરોપી રાજાકુમાર ઉર્ફે રાજા સુભાષ કાકડે (રહે.ગોકુલનગર,ભટાર) નાએ તા.12/6/20નાં રોજ ભોગ બનનાર 13 વર્ષ 19 દિવસની વયની કિશોરીને લગ્નની લાલચે પોતાના વતન ભગાડી ગયો હતો.
જોકે આરોપીએ ભોગ બનનારને ખેતરમાં રાખીને ચાર દિવસો સુધી એકથી વધુવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી સગીરાનાં પિતાએ આરોપી યુવક વિરુધ્ધ ખટોદરા પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. આમ, પોલીસે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી તા.28મી જુલાઈ 2020નાં રોજ ચાર્જશીટ રજુ કર્યું હતુ. આરોપી સામે કેસ કાર્યવાહી હાથ ધરાતા એપીપી સુરેશ પાટીલે કુલ 14 સાક્ષીઓ તથા 34 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
જેથી કોર્ટે આરોપીને ભોગ બનનાર સગીરાની ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધી પોક્સો એક્ટનાં ભંગના ગુનામાં આરોપી રાજાકુમાર ઉર્ફે રાજા કાકડેને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનારને આ બનાવમાં બાહ્ય શરીર પર ઈજા થઈ નથી.
પરંતુ બનાવ બાદ સતાત માનસીક દબાણમાં રહી હોવાનું પુરવાર થાય છે. બળાત્કારનો ગુનો ભોગ બનનારના શરીરને જ નહીં ચારિત્ર્યને પણ અસર કરે તેવો ગુનો હોઈ કોર્ટે બાળાને પુનઃવસન માટે 3 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500