કર્ણાટકના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હમ્પી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઈઝરાયલની એક 27 વર્ષીય પર્યટક અને એક હોમસ્ટે ચલાવનારી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના ગુરૂવારે રાત્રે આશરે 11:30 વાગ્યે બની હતી, જ્યારે બંને મહિલાઓ સાનાપુર તળાવના કિનારે બેસીને તારાઓનો રમણીય નજારો જોઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાઓ ત્રણ અન્ય પુરૂષ પર્યટકો સાથે હતી, જેમાંથી એક અમેરિકન નાગરિક અને બે ભારતીય નાગરિક (મહારાષ્ટ્ર અને ઓડીશા)ના હતાં. આ તમામ તુંગભદ્રા તળાવ પાસે સંગીત સાંભળતા હતાં અને રાતનો આનંદ લઈ રહ્યા હતાં.
આ દરમિયાન ત્રણ અજાણ્યા લોકો મોટરસાઇકલ પર ત્યાં પહોંચ્યા. પહેલાં આરોપીઓએ પેટ્રોલ માટે પૂછપરછ કરી અને બાદમાં ઈઝરાયલની પર્યટક પાસે 100 રૂપિયા માંગ્યા. જ્યારે તેણે પૈસા આપવાનો ઈનકાર કરી દીધો તો બંને વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. બાદમાં આ અજાણ્યા શખસોએ પુરૂષ પર્યટકો પર હુમલો કરી દીધો અને તેમને તળાવમાં ધક્કો મારી દીધો. બંનેને તળાવમાં ફેંકી તેઓએ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયાં. પુરૂષ પર્યટક અમેરિકન નાગિક ડેનિયલ અને મહારાષ્ટ્રનો પંકજ તળાવમાંથી બહાર નીકળી ગયાં છે.
તેમજ ઓડિશાના બિબાશને બીજા દિવસે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો. હોમસ્ટે ચલાવનારી મહિલાની ફરિયાદના આધારે, ગંગાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની ધારા 309(6) (ચોરી અથવા ખંડણી), 64 (દુષ્કર્મ), 70(1) (સામુહિક દુષ્કર્મ), 311 (લૂંટ અથવા ગંભીર ઈજા અથવા હત્યાનો ઈરાદો) અને 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે 6 વિશેષ ટીમ ગોઠવી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. બંને પીડિત મહિલાઓએ વર્તમાનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદોની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500