નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે. જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીના માર્ગદર્શન અને નેજા હેઠળ આ પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી પરિક્રમા શરૂ કરીને શહેરાવ ઘાટ, તિલકવાડા મણીનાગેશ્વર મંદિર, રેંગણઘાટ, કીડીમકોડી ઘાટ થઈને પરત રામપુરા સુધી આ પરિક્રમા કરીને સ્નાન કરીને પરિક્રમા પુરી કરે છે.
આ સમગ્ર રૂટ દરમિયાન લાઈટ, પાણી, છાયડો, સેવાકેન્દ્રો અને ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ પરિક્રમાના સુચારૂ આયોજન અમલવારી માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. કે. ઉંધાડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને પરિક્રમાના નોડલ અધિકારી અને ડી. આર. ડી. એ. ના ડાયરેક્ટરશ્રી જે. કે. જાદવ દ્વારા રચનાત્મક સૂચનો કર્યા હતા અને ગત વર્ષોમાં યોજાયેલી પરિક્રમાના અનુભવો શેર કર્યા હતા. આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહીને વિડિયો પ્રેઝન્ટેશન રજૂ કરીને પરિક્રમામાં ઊભી કરવાની સુવિધા અને બ્રાન્ડિંગ અને પ્રસાર મટીરીયલનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન તંત્ર પાસેથી મેળવ્યું હતું.
આ બેઠકમાં લાઈટ, પાણી, ટોયલેટ, બાથરૂમ સ્નાન માટેના ફુવારા, સી.સી.ટી.વી. કેમેરા, ડોમ, બેઠક વ્યવસ્થા, બેરીકેટિંગ, સાઇન બોર્ડ તેમજ એજન્સીના માણસોનું સુપરવિઝન અને સુવિધા બાબતે પણ ચર્ચા કરાઈ હતી. પાર્કિંગની વ્યવસ્થા, રોડ રસ્તો, કાચોપુલ તેમજ સેલ્ફી પોઇન્ટ, બાકડા, વોચટાવર, ટ્રાફિક, આરોગ્ય, ફાયર સેફ્ટી, એનાઉન્સીંગ, મ્યુઝિક સિસ્ટમ અહીં આવતા પરિક્રમાવાસીને કઈપણ અગવડ ન પડે તે માટેની તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. હવે પરિક્રમા શરૂ થવાને માત્ર ૧૦ દિવસ બાકી છે ત્યારે તમામ કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500