કુકરમુંડાના રાજપુર ગામે રહેતાં દશરથભાઈ ધીમજીભાઈ વળવીના રાજપુર ગામની સીમના આવેલ ખેતરમાં ગત શુક્રવારે એક તબેલામાં એક ભેંસ અને એક ગાય તેમજ એક ભેંસના પાડિયાને બાંધ્યો હતો.જોકે દશરથભાઈના કુટુંબમાં દુઃખદ પ્રસંગ હોવાને કારણે બે દિવસથી ખેતરે રખેવાળી કરવા આવ્યા ન હતાં.દરમિયાન ગત રાત્રે એક ખૂંખાર દીપડાએ ઝૂંપડીમાં બાંધેલ પાડિયાને ગળા ના ભાગે હુમલો કરી બહાર ખેંચી લઈ જઈને પાછળના ભાગેથી ફાડી ખાધું હતું. અને ત્યાર બાદ દિપડો ત્યાંથી નીકળી ગયો હતો.
શનિવારના સવારે જ્યારે ખેતરના માલિકે જોયું તો પાડો મૃત હાલતમાં હોય ભેંસના પાડિયાને ગળાના ભાગે અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ હતી. આજુ બાજુ ખેતરના સીમમાં જોતા દિપડાના પંજા દેખાય આવ્યા હતા જેથી એ વાત ની ખાત્રી થઈ હતી કે ભેંસ ના બચ્ચા (પાડા) પર દીપડા દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો.ત્યાં નજીકમાં ઘણા ખેડૂતો ઝૂંપડી બનાવી પોતાના પરિવાર અને પશુઓ સાથે રહેતા હોય છે. જેથી આ બનાવથી ખેતરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ઘણા સમયથી દિપડો આંટા ફેરા મારતા લોકોને જોવા મળ્યો છે. અને ખેતરમાં દિપડાના પગના પંજાના નિશાન પણ જોવા મળ્યાં હતાં.જેથી કોઈ પશુઓ કે મનુષ્ય ને જાન હાનિ થાય એ પહેલાં પાંજરૂ મૂકવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.(કૈલાશ વળવી દ્વારા નિઝર-કુકરમુંડા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500