ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે અને જેમાં પણ ગત વર્ષથી ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ ગરમીનો પારો 33 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે અને રાત્રિ દરમિયાન તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહે છે. જેને કારણે દિવસે અસહ્ય ગરમી અને રાતે ઝાંકળ સાથે ઠંડી પડતા ખેતી પાકો પર અસર જોવા મળે છે. ખાસ કરીને આંબાવાડીઓમાં જ્યારે કેરીના મોરવા મોટા થતા હોય છે, ત્યારે વધુ પડતી ગરમીથી વટાણા કે તેનાથી મોટા કેરીના મોરવા પીળા પડી જાય છે અને ત્યારબાદ ઝાડ પરથી નીચે ખરી પડે છે. જેને કારણે મબલખ કેરીના પાકની આશા હતી, ત્યાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ જવાની અને માવઠુ થવાની સંભાવના પણ સેવવામાં આવી છે, ત્યારે ગત વર્ષોની ખોટ આ વખતે ભરપાઈ થવાની આશા પણ નઠારી નીવડેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. બીજી તરફ આંબા પર નવી કુંપળો ફૂટી રહી છે, સાથે જ નવી આમ્રમંજરી પણ આવી રહી છે. જેને કારણે આંબો નવી પિલાણ અને ફ્લાવારીંગને વધુ ખોરાક પહોંચાડે છે, જેને કારણે ઝાડ પર જૂની કેરીઓને પોષણ ઓછું મળે છે.
હાલમાં તાપમાન 32થી 33 ડીગ્રી પહોંચે છે અને રાતે 13થી 14 ડીગ્રી તાપમાન રહેવાને કારણે બંને વચ્ચે 17થી 18 ડીગ્રીનો તફાવત રહેતા આંબા પર ખરણ વધે છે. જેથી ખેડૂતોએ બદલાતા વાતાવરણમાં કેરીના પાકને બચાવવા પ્રથમ આંબામાં ભુકીછારા નામનો રોગ થવાની સંભાવનાને જોતા દવાનો છંટકાવ કરવો જોઈએ. જેના બીજા દિવસથી વાડીમાં પાણી આપવું જોઈએ અને તેની સાથે ખાતર પણ આપવામાં આવે, તો ખેડૂત નુકસાનીથી બચી શકે છે. છેલ્લા 10 વર્ષોથી વાતાવરણની માર સહન કરતા કેરીના પાકમાં આ વર્ષે સારો પાક થવાની આશા, ફરી બદલાતા વાતાવરણે નિરાશામાં ફેરવી છે. ત્યારે ગરમીનો પારો વધુ ઉંચે ન જાય અને વાતાવરણ સ્થિર રહે એવી પ્રાર્થના ખેડૂતો કુદરતને કરી રહ્યા છે, જેથી પાછલા વર્ષોની સરખામણીમાં કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે મીઠી રહે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500