Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે વર્લ્ડ હેરિટેજ ડે : તાપી નદીનાં કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક

  • April 18, 2025 

સુરત શહેરના ચોકબજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. સુલતાન મહમૂદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઈ.સ.૧૫૪૦ થી ૧૫૪૬ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ ૧ એકર જગ્યામાં ફેલાયેલો છે. ૨૦ ગજ ઊંચી અને ૧૫ મીટર પહોળી દીવાલો અને ચારે ખૂણા પર ૧૨.૨ મીટર ઊંચા તથા ૪.૧ મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે. ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન ૧,૨૧,૪૮૯ લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે અને રૂ. ૮૩,૭૨,૦૪૦ની આવક થઇ છે એમ સુરત કિલ્લાના હેરિટેજ ટૂરિઝમથી પ્રાપ્ત થઈ છે એમ ક્યુરેટર પૃથ્વી રંગનેકર જણાવે છે.


શ્રી રંગનેકર કહે છે કે, સુરત મનપા દ્વારા વિશેષ પહેલરૂપે શરૂ કરાયેલ નિ:શુલ્ક પ્રવેશ યોજના હેઠળ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શાળાના ૮,૦૩૭ વિદ્યાર્થીઓ અને અન્ય નિયત કરાયેલા મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપી કિલ્લાના ઐતિહાસિક વારસાથી અવગત કરાવવામાં આવ્યા હતા. ઉપરાંત, ૬૨૭ વિદેશી મુલાકાતીઓએ પણ કિલ્લાની મુલાકાત લીધી હતી. ૧૮ સભ્યોની ટીમ કિલ્લાના સંચાલન અને જતન માટે સતત કાર્યરત છે. આ માત્ર ભૂતકાળ કે ઈતિહાસનું સંગ્રહસ્થાન નથી, પરંતુ ભાવિ પેઢીઓને આપણી સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ છે. એક સમયે તાપી નદીના કિનારે વ્યૂહાત્મક સ્થાન ધરાવતા સુરતના કિલ્લાએ હવે પોતાના પ્રાચીન અને ગૌરવપૂર્ણ વૈભવને ઉજાગર કરી રહ્યો છે. આ સ્મારકે અનેક જહાજોના આવાગમન, સામ્રાજ્યોના ઉદય અને પતન અને તાપીની લહેરો સાથે અનેકવિધ સંસ્કૃતિઓનો સાક્ષી રહ્યો છે.

આજે આ કિલ્લામાં પૌરાણિક ઇતિહાસ માત્ર નિહાળી જ નહીં, અનુભવી પણ શકાય છે. રિનોવેશન બાદ ઉદ્દઘાટન અને જાહેર પ્રવેશ મનપા દ્વારા રિનોવેશન થયા પછી તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક સુરત કિલ્લાનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યું અને તા.૩૦ સપ્ટે.૨૦૨૨થી સામાન્ય જનતા માટે ખૂલ્લો મૂકાયો. પુનઃસ્થાપન અને સંરક્ષણ:- ૨૦૧૫માં રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકા (SMC)ને કિલ્લાની જતન અને સંભાળ માટે સોંપણી કરી. SMCએ આશરે રૂ.૫૫ કરોડના ખર્ચે પુનઃસ્થાપન કાર્ય કર્યું, જેમાં તુઘલક, ગુજરાતમાં ડચ અને બ્રિટિશ શૈલીઓના સ્થાપત્યને જાળવીને લગભગ ૭૦૦ વર્ષ જૂના વારસાને જીવંત રાખવામાં આવ્યો છે. સ્થાપત્યની ભવ્યતા, ઇતિહાસની અનુભૂતિ: પ્રદર્શન અને ગેલેરીઓ: નવજીવન પામેલા સુરત કિલ્લાના અંદર હવે પથ્થર પરની પ્રાચીન મૂર્તિઓ અને નકશીકામથી શોભતી વિવિધ વિષયક ગેલેરીઓ છે, જે શહેરના ઇતિહાસની ઊંડી ઝાંખી આપે છે. છ મુખ્ય ઇમારતો, ચાર મુખ્ય મિનાર, બે અપૂર્ણ મિનાર, એક ખાઈ અને એક ડ્રોઅબ્રિજ છે, જે તમામ તુઘલક, મુગલ સલ્તનત, ડચ અને બ્રિટિશ યુગની ઝાંખી કરાવે છે. આ કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક જ નથી પણ આજે તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે.


મુખ્ય આકર્ષણો...

• ડાયમંડ હબ, જ્યાં સુરતના વિખ્યાત હીરા ઉદ્યોગને જીવંત ડેમો સાથે રજૂ કર્યો છે.

• તિજોરી અને “રૂપિયું રૂમ”, જેમાં નાણાના ઇતિહાસ અને ચલણની વિકાસયાત્રા દર્શાવાઈ છે.

• શસ્ત્ર ગેલેરી અને વુડન આર્ટ ગેલેરી, જે કિલ્લાની રક્ષણાત્મક ભૂમિકાનો અને દરિયાકાંઠાના સાંસ્કૃતિક વિનિમયની ઝાંખી આપે છે. લાકડાના શિલ્પો, ફર્નિચર અને છજાંનું શણગાર, જેમાં ચૌલ શૈલીનું "કલાંતક શિવ" વિશેષ છે,

• ગુજરાતી હસ્તકલાના નમૂનાઓ, જેમ કે અપ્લીક કામ, ટાંકા કામ અને માળાનો ઉપયોગ, "હમામ વિથ ફ્રેસ્કો" દ્વારા સુરતને કળાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે.

• સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમના ૧૩૫ વર્ષ જૂના સંગ્રહ સાથે સંકલિત આશરે ૩૫ થીમ આધારિત ગેલેરીઓ.

• "હેરિટેજ વોક" મોબાઈલ એપ જે સ્વનિર્દેશિત પ્રવાસનો અનુભવ કરાવે છે. વિશિષ્ટ ગેલેરીઓ:

• હાથીદાંત શિલ્પકલા ગેલેરી: વિહારની વસ્તુઓ, રમતની ગોટીઓ અને ૧૯મી સદીનું “માણસોથી ભરેલું નૌકાનું મોડેલ”

• ભારતીય કાંસ્ય કલા ગેલેરી: પશ્ચિમ અને દક્ષિણ ભારત અને હિમાલયી કાંસ્ય પ્રતિમાઓ, બીદરી કલા અને ધાર્મિક પવિત્ર પાત્રો ડિજિટલ જોડાણ: “હેરિટેજ વોક” એપ અહીંના એક એક પથ્થરમાં ઈતિહાસ લખાયેલો છે. એટલે જ માર્ચ ૨૦૧૭માં શરૂ થયેલી “હેરિટેજ વોક” મોબાઇલ એપ ઓડિયો માધ્યમથી માહિતતી આપે છે. જેથી મુલાકાતીઓ કિલ્લાની તલસ્પર્શી સમજ મેળવી શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application