વલસાડ જિલ્લાનાં પારડી પોણીયા ખાતે રહેતી નોકરિયાત મહિલાને નોકરીની લાલય આપી ૩.૪૩ લાખ ટ્રાન્સફર કરાવી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોણીયા ગામે રહેતા ભાવિનીબેન પટેલના મોબાઇલ ઉપર તારીખ ૩૦/૦૧/૨૦૨૫ નારોજ સાંજે ટેલીગ્રામ એપ્લીકેશનમાં ફલેપ સાઈડ લખેલ નામની એક લિંક આવી હતી. તે વખતે આ લીંક ઓપન કરાતા ઓન લાઇન વેબસાઈડ ઉપર સારા પગારના જોબ માટેની ઓફર હતી. ત્યારબાદ તેણીના ફોન ઉપર એસએમએસ આવ્યો હતો જેમાં રૂપિયા ૧૫,૦૦૦/- ભરવા પડશે, તેમ કહી નોકરીની લાલચ અપાઈ હતી. ત્યારબાદ સાબીરા બેગમ મઝુનદેર નામનુ સ્કેનર મોકલવામાં આવ્યું હતુ.
જેથી તેણીએ ખાતામાંથી રૂપિયા ૧૫,૦૦૦/- જેટલી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. જ્યારે બીજા દિવસે તારીખ ૩૧/૦૧/૨૦૨૫ નારોજ એસએમએસ દ્વારા ફરી નોકરી અપાવવાનો સધિયારો આપી વધુ ૫૦,૦૦૦/-ની માંગ કરાઈ હતી. આ સમયે સામેથી યોગેન્દ્ર મીણા નામનુ સ્કેનર મોકલાયું હતુ. આ રકમ પણ તેણીએ ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ ભાવિનીબેને ફરી ટેલીગ્રામ ઉપર તે અજાણ્યાનો સંપર્ક કરતા તેણે બીજા રૂપિયા ૧,૫૦,૦૦૦/- ભરવા પડશે તો તમને ચોકકસ નોકરીની વ્યવસ્થા કરી આપીશું તેમ કહ્યું હતુ.
આખરે ભાવિનીબેને પોતાના એકાઉન્ટમાથી મનોજ કટારીયાના એકાઉન્ટમા રૂપિયા ૧,૫૦,૦૦૦ જમા કરાવ્યા હતા. તે પછી તારીખ ૦૧/૦૨/૨૦૨૫ નારોજ અજાણ્યા ઇસમે ટેલીગ્રામ દ્વારા ફરિયાદીને કહ્યું હતુ કે, તમારા પતિનું એકાઉન્ટ સીઝ થઈ જશે. તમો રૂપિયા ૧,૨૮,૫૩૨/- જેટલી રકમ આપશો તો તમારા તમામ રૂપિયા પરત આવી જશે અને તમારા પતિનુ એકાઉન્ટ પણ સીઝ થશે નહી તેવી વાત કરી હતી. ત્યારબાદ આ ભાવિનીબેને ફરી એકવાર એપ દ્વારા રૂપિયા ૧,૨૮,૫૩૨ ટ્રાન્સફર કર્યા હતા. જોકે તે પછી ૩ લાખ ફરી ભરવા માટે જણાવતા ભાવિનીબેને તે નાણા ભરવા ઈન્કાર કરી દઈ અત્યાર સુધી ભરેલી રકમ પરત માંગી હતી. પરંતુ અજાણ્યા શખ્સે તે રકમ પરત કરી ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500