સાબરમતી સેન્ટ્રલ જેલમાં બળાત્કાર અને પોક્સોનાં ગુનામાં કાચાકામનાં કેદી તરીકે રહેલો આરોપી જાત જામીન ઉપર છુટયા બાદ છેલ્લા એક વર્ષથી જેલમાં પરત ફર્યો ન હતો અને ફરાર થઇ ગયો હતો ત્યારે ગાંધીનગર એલ.સી.બી.2ની ટીમે રિક્ષા ચલાવતા આ આરોપીને રિક્ષા ચાલકનો વેશ ધારણ કરીને ઝડપી લીધો હતો અને પુનઃ સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાનાં વિવિધ પોલીસ મથકમાં નોંધાતા ગુનામાં ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે સાબરમતી જેલમાંથી પેરોલ અને જામીન ઉપર છુટીને પરત નહીં ફરતા આરોપીઓને પકડવા માટે પણ મથામણ કરવામાં આવી રહી છે.
ત્યારે ગાંધીનગર એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, પેથાપુર પોલીસમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સોના ગુનામાં સાબરમતી જેલમાં રહેલો કાચાકામનો કેદી ગુલાબસંઘ મેવાજી ઠાકોર (રહે.પરસુદ, તા.સાતલપુર, પાટણ, હાલ રહે.જુના ડિસા) ગત તારીખ 24 જુનનાં રોજ જાત જામીન ઉપર છુટયો હતો અને તારીખ 2 જુલાઇનાં રોજ તેને સાબરમતી જેલમાં હાજર થવાનું હતું. પરંતુ આ આરોપી જેલમાં હાજર થયો નથી અને ફરાર થઇ ગયો છે જે બાતમીને પગલે પોલીસ ટીમે તેની શોધખોળ કરી હતી અને બાતમી મળી હતી કે, ગુલાબસંઘ ડિસામાં રિક્ષા ફેરવી રહ્યો છે જે બાતમીને પગલે પોલીસે રિક્ષા ચલકનો વેશ ધારણ કરીને ગુલાબસંઘને ઝડપી લીધો હતો અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500