બારડોલી નગરનાં સાધના નગર સોસાયટીમાં રહેતી માસીને ત્યાં વેકેશનમાં માતા અને બહેન સાથે રહેવા આવેલો 9 વર્ષીય બાળક ગુમ થઈ ગયા બાદ તેનો મૃતદેહ મળસ્કે 2 વાગ્યે નજીકથી પસાર થતી નહેરમાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે રમતી વખતે બાળક નહેરમાં પડી જતાં તેનું મોત થયું હોવાનું પોલીસ જણાવ્યુ હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં કડોદ ગામે નાગર ફળિયામાં રહેતા કિશોરસિંહ ગુણવંતસિંહ વાંસીયા ગ્રામ પંચાયતના વોટર વર્કસમાં કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની દિપીકા, પુત્રી હેતવી (ઉ.વ.13) અને પુત્ર નૈતિક (ઉ.વ.9) છે. જોકે હેતવી ધોરણ 8માં અભ્યાસ કરે છે જ્યારે પુત્ર ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. હાલ વેકેશન ચાલી રહ્યું હોય કિશોરસિંહની પત્ની દિપીકા તેના બંને સંતાનો સાથે 29મી મેના રોજ બારડોલીના ગાંધીરોડ પર આવેલી સાધના નગર સોસાયટીમાં રહેતી બેન કિન્નરીબેન જીતેન્દ્રસિંહ સોલંકીને ત્યાં રહેવા માટે ગયા હતા.
જયારે સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ નૈતિક ઘરેથી રમવા માટે બહાર નીકળ્યો હતો. મોડી સાંજ સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ દરમિયાન સોસાયટીના CCTV કેમેરા તપાસતા નૈતિક સાડા 6 વાગ્યાની આસપાસ નજીકથી પસાર થતી નહેરની પાળી પર ચાલતો નજરે પડ્યો હતો. આથી પોલીસે બારડોલી ફાયર વિભાગની મદદથી બાળકની નહેરમાં શોધખોળ હાથ ધરી હતી અને મોડી રાત સુધી તપાસ કર્યા બાદ મંગળવારે મળસ્કે 2 વાગ્યે સાધના નગરથી બે કિમી દૂર નહેરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આમ, એકના એક પુત્રનું નહેરમાં ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો. હાલ પોલીસે મૃતક બાળકના પિતા કિશોરસિંહની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500