'લગાન' તથા 'અંદાઝ અપના અપના', 'ચક દે ઈન્ડિયા' અને 'હિના' સહિતની અનેક જાણીતી ફિલ્મો ઉપરાતં ટીવી શ્રેણીઓમાં નાની મોટી ભૂમિકાઓ કરનારા અભિનેતા જાવેદનું ફેફસાંની બીમારીને લીધે મુંબઈમાં અવસાન થયું હતું. તેમની આજે મુંબઈમાં જ અંતિમ વિધિ કરવામાં આવી હતી. અભિનેતા જાવેદ ખાન અમરોહીના ખાસ મિત્ર ફિલ્મ સર્જક રમેશ તલવારે જણાવ્યું હતું કે, તેમને ફેફસાંની બીમારી હતી. આથી તેઓ એક વર્ષથી પથારીવશ હતા. તેમની વય આશરે 70 વર્ષ હોવાનું મનાય છે. એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેઓ ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન-ઈપ્ટા સાથે સંકળાયેલા હતા. અનેક નાટકોમાં તેમણે શાનદાર અભિનય કર્યો હતો. ટીવી સિરિયલ નુક્કડથી તેમનો ચહેરો ઘરે ઘરે જાણીતો બન્યો હતો. તેમાં હેરકટિંગ સલૂન ચલાવતા કરીમ તરીકેની ભૂમિકા તેમણે ભજવી હતી. લગાનમાં તમણે મેચ દરમિયાન હિંદી કોમેન્ટરી આપતા કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી. 'હમ જીત ગયે'નો ખાસ હાવભાવ સાથેનો તેમનો ડાયલોગ આજે પણ કોઈ મેચમાં ભારત જીતી જાય ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
ચક દે ઈન્ડિયામાં તેઓ ટીમના સહાયક સ્ટાફ તરીકે દેખાયા હતા. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટમાંથી તાલીમ બાદ તેમણે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. આશરે 150 જેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. મોડી સાંજે ઓશિવારા કબ્રસ્તાન ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ વખતે પીઢ અભિનેત્રી રામેશ્વરી ભાંગી પડી હતી. રામેશ્વરીએ યાદ કર્યું હતું કે, કેવી રીતે સંઘર્ષના દિવસોમાં જાવેદ ખાન તેમના પરિવારના સભ્યની જેમ રહ્યા હતા. અંતિમ વિધિમાં રમેશ તલવાર, મ્યુઝિક ડાયરેક્ટર કુલદિપ સિંહ, અભિનેતા અયુબ ખાન સહિત ફિલ્મ તથા થિયેટર જગતના કેટલાય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500