એક વર્ષ પહેલા ઓલપાડ વિસ્તારની 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કારમાં લઇ જઇને વારંવાર શરીર સબંધ બાંધી સગર્ભા બનાવનાર આરોપી યુવકને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદ, રૂપિયા 20 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે, ઓલપાડ પોલીસની હદ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને 28 વર્ષીય આરોપી રોશન ગોમાન પટેલ (રહે.પાકીસ્તાન ફળીયું, મંદરોઈ,તા.ઓલપાડ) સાથે ઓક્ટોબર-2020 દરમિયાન નવરાત્રિમાં ગરબા રમવા જતી વખતે મિત્રતા થઇ હતી.
ત્યારબાદ લગ્નની લાલચ આપી સગીરાને ટયુશન ક્લાસમાંથી પોતાની કારમાં અવાવરુ જગ્યાએ લઇ જઇ મરજી વિરુધ્ધ એકથી વધુવાર શરીર સબંધ બાંધતા સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે માતાએ પુછયા બાદ સગીરાએ આરોપી રોશન પટેલે બળાત્કાર ગુજાર્યાની વાત કરતા માતાએ તા.21-5-2021ના રોજ આરોપી વિરુધ્ધ પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવતા ધરપકડ કરાઇ હતી અને આ કેસમાં આરોપી યુવકના બચાવ પક્ષે મુખ્યત્વે ફરિયાદમાં ચેડા કરીને પાછળથી ખોટી ફરિયાદ બચાવ લેવાયો હતો.
જયારે ઉલટ તપાસમાં ફરિયાદી અને ભોગ બનનારે તથા કથિત બનાવ અંગે વિપરીત હકીકત જણાવી હોવાથી સાયન્ટીફિક પુરાવો માન્ય રાખી શકાય નહી. ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી વધુ હોવાની પણ બચાવ પક્ષે દલીલ કરી હતી. જેના વિરોધમાં સરકાર પક્ષે એપીપી વિશાલ ફળદુએ કુલ 12 સાક્ષીઓ તથા 25 થી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરી જણાવ્યું હતું કે, ભોગ બનનારની વય સગીર હોવાનું તથા તેના ગર્ભસ્થ શીશુનો બાયોલોજીકલ પિતા હાલના આરોપી હોવાનું સાબિત થયું છે.
સમાજમાં હાલમાં આ પ્રકારે સગીર બાળાઓના અબુધપણાનો ગેર લાભ ઉઠાવીને આચરવામાં આવતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી આવા ગંભીર ગુનામાં આરોપીને મહત્તમ સજા કરીને સબક મળે તે માટે કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા તથા દંડ કરવો જરૂરી છે. સુનાવણી બાદ કોર્ટે આરોપીન રોશન પટેલને પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે ભોગ બનનારને આરોપીએ ભરેલા દંડની રકમમાંથી રૂપિયા 25 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 1.50 લાખ મળીને કુલ રૂપિયા 1.75 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500