રાજ્યમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરનારી મહિલા ઝડપાઈ છે. બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરીની લાલચ આપીને રૂપિયા 43.50 લાખોનો ચૂનો લગાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી હતી, ત્યારે 9 માસથી ફરાર મહિલાને SOG પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા 43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઈન્ડ શિલ્પા દવે સહિત ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરૂદ્ધ 22 જુલાઈ 2024ના રોજ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
સમગ્ર મામલે પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતાં ભરત સોલંકીની ધરપકડ કરી હતી. જોકે શિલ્પા દવે અને જગદીશ ફરાર હતા, ત્યારે છેલ્લા 9 મહિના બાદ મુખ્ય આરોપી શિલ્પાની પોલીસ ધરપકડ કરી હતી. બોટાદ SOG પોલીસને બાતમી મળી હતી કે, આરોપી શિલ્પા અમદાવાદમાં છે. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે શિલ્પાને ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં આરોપી શિલ્પાએ કેટલાક લોકોને વિદેશ જવાની લાલચ આપીને 29 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે શિલ્પાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500