Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશનાં કેટલાક રાજ્યોમાં ચોમાસુ નબળું રહેતા ખરીફ તથા રવિ અનાજ કઠોળનાં ઉત્પાદન પર અસર પડશે

  • January 11, 2024 

વર્ષ-2023માં દેશનાં કેટલાક રાજ્યોમાં ચોમાસુ નબળું રહેતા ખરીફ તથા રવિ અનાજ કઠોળનાં ઉત્પાદન પર અસર પડી છે ત્યારે હવે પાણીની નીચી ઉપલબ્ધતાને પરિણામે રવિ ડુંગળીની વાવણી પણ વીસ ટકા જેટલી નીચી જોવા મળી રહી છે. વેરહાઉસમાં સ્ટોરેજ કરાતા કાંદા બગડી ન જાય તે માટે સરકાર આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્ટોરેજ વ્યવસ્થા ઊભી કરવા યોજના ધરાવે છે. જળાશયોમાં પાણીના નીચા સ્તરને કારણે મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ડુંગળીના રવિ પાકના વાવેતર વિસ્તારમાં ઘટ જોવા મળી રહી હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.



રવિ કાંદાની વાવણીની કામગીરીને હજુ થોડા દિવસ બાકી રહ્યા છે તેમ છતાં હાલની ગતિને જોતા વર્તમાન રવિ મોસમમાં ડુંગળીનો વાવેતર વિસ્તાર વીસ ટકા સીધો નીચો રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ડુંગળીના વાવેતરમાં ઘટ જોતા આગામી માર્ચ-એપ્રિલમાં લોકસભાની ચૂંટણી વેળા તેનોપૂરવઠો ખોરવાઈ જવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. એકંદર ફુગાવામાં કાંદાનું વેઈટેજ 0.60 ટકા છે. દેશમાં કાંદાના કુલ વાર્ષિક ઉત્પાદનમાંથી સીતેર ટકા ઉત્પાદન રવિ મોસમમાં થાય છે.



આ મોસમમાં પાકતા કાંદાનું ટકાઉપણું છથી સાત મહિના જેટલું હોય છે. લોકસભાની ચૂંટણી વખતે દેશમાં ખાધાખોરાકીના ભાવમાં વધારો ન થાય તેની સરકાર તકેદારી રાખવા માંગે છે, પરંતુ વર્તમાન વર્ષની રવિ મોસમના પાકના ઉત્પાદનમાં ઘટની શકયતા સરકારના ગણિત બગાડી શકે છે અને આગળ જતા સરકારે દેશમાં અનાજકઠોળ તથા કાંદાના પૂરવઠાને જાળવવા સખત પગલાં લેવાની ફરજ પડી શકે છે. દેશમાં કાંદાના બે મુખ્ય ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં જળાશયોમાં પાણીનું સ્તર ઘણું નીચું જોવા મળી રહ્યું છે.



જેને કારણે સિંચાઈ કામગીરી પર અસર પડી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 2022-23માં 11.20 લાખ હેકટરની સામે 2023–24માં રવિ ડુંગળીનો એકરેજ ટાર્ગેટ 7.63 લાખ હેકટર મુકાયો છે. નબળી ખરીફ લણણી ઉપરાંત રવિ વાવેતરમાં પ્રારંભિક મંદ ગતિને જોતા વર્તમાન નાણાં વર્ષમાં દેશના કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 1.80 ટકા સાથે સાત વર્ષની નીચી સપાટીએ રહેવાની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના પ્રથમ એડવાન્સ અંદાજમાં જણાવાયું છે. આર્થિક વિકાસ દરમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ રહેલું છે. દરમિયાન કાંદાનો સડો અટકાવવા સરકાર એઆઈ આધારિત સ્ટોરેજ વ્યવસ્થા ઊભી કરવા વિચારી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application