ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા એક મહિના દરમ્યાન ઘર-શોપીંગ કોમ્પલેક્સ, બાંધકામ સાઇટ સહિત 2.27 લાખ એકમોમાં તપાસ કરીને 4.85 લાખ પાણીના પાત્રો ચકાશવામાં આવ્યા હતા, જે પૈકી 8,224માં મચ્છરોના બ્રીડીંગ મળ્યા હતા. તો 1325 જેટલા ઘરોમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાવાની સાથે ધાબા, અગાસી, ફુલ છોડના કુંડા, પક્ષીકુંજમા તેમજ અન્ય પાત્રોમાં પાણી ભરાવાને કારણે તે મચ્છરોનું ઉત્પત્તી સ્થાન થઇ જાય છે અને ત્યાં આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો જોવા મળે છે.
વરસાદી આ ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુના મચ્છરો પણ ઉત્પન્ન થતા હોવાથી ડેન્ગ્યુનો રોગચાળો પણ ફાટી નિકળે છે આ સ્થિતિમાં ગાંધીનગર કોર્પોરેશન દ્વારા જુન મહિનાને મેલેરિયા માસ તરીકે ઉજવીને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવાની સાથે પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. જેમાં દસ મેડિકલ ઓફિસર, 51 મલ્ટીપર્પસ હેલ્થ વર્કર, 51 ફીમેલ હેલ્થ વર્કર, 158 આશા બહેનો તેમજ 20 જેટલી વેક્ટર કંટ્રોલ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘરોમાં મચ્છર ઉત્પત્તી કરતા શંકાસ્પદ સ્થાનોની પણ તપાસ કરવામાં આવી હતી. એક માસ દરમ્યાન 2.27 લાખ એકમોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ઘર, શોપીંગ સેન્ટરો, બાંધકામ સાઇટ સહિત કુલ 4.86 લાખ પાત્રોની ચકાશણી કરવામાં આવી હતી. જેમાં 8,224 પાત્રોમાં મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા જેનો દવા છંટકાવ કરીને નાશ કરવામાં આવ્યો હતો. જયારે 1325 ઘરોમાં મચ્છરોનું પ્રમાણ વધુ મળી આવતા ત્યાં ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500