Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો સામૂહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો

  • January 21, 2021 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયના ૧૦૧ તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નવા ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના ભાગરૂપે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદમુખર્જી હોલ ખાતે  સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. 

 

 

 

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા સાંસદશ્રીપ્રભુભાઈ વસાવાએ જણાવ્ચું હતુ કે, આજનો કાર્યક્રમ તાપી જિલ્લા માટે આશિર્વાદ રૂપ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્રીય અન્ન કાયદાને લાગુ કરી દેશનો કોઈ પણ નાગરિક ભૂખો ન સુવે તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે.  વધુમાં તેમણે કહ્યું કે,  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  ૧૦ લાખ પરિવારના ૫૦ લાખ લાભાર્થીઓને સીધો લાભ આપવા તથા તમામને કાયદા હેઠળ સમાવી લેવા માટે સઘન આયોજન  કર્યુ છે. હવે લોકોને કામના સ્થળે તથા શહેરની બહાર કે બીજા રાજ્યમાં હોય તો પણ તેને આ લાભ મળશે. તેમણે કહ્યું કે, તાપી જિલ્લાએ એવો એક માત્ર જિલ્લો રહ્યો જ્યાં 80 ટકાથી વધુ લાભાર્થીઓએ રેશન કાર્ડ પર અનાજ મેળવ્યો છે.

 

 

 

કોરોના સંદર્ભે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈરૂપાણી દ્વારા કોરોનાના કપરા સમયગાળા દરમિયાન જે રીતે તબક્કાવાર આયોજન કરવામાં આવ્યુ અને યોગ્ય નિર્ણયો લેવાયા તેનાથી કોરોના કાબૂમાં આવ્યો છે. સરકારે જે નિર્ણયો લીધા તે પ્રજાના સુખાકારીને ધ્યાનમાં લઈને લીધા જેથી રાજ્ય અને દેશની સરખામણીમાં બીજા દેશોમાં વધુ કોરોના છે તો બીજી તરફ રાજ્યની વાત કરીએ તો તાપી જિલ્લોએ રાજ્યનો એવો જિલ્લો છે જ્યાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા અને મૃત્યુઆંક પણ ખુબ જ ઓછો રહ્યો. તે માટે સાંસદશ્રીએ જિલ્લા પ્રસાશનને સરાહનિય કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

આ પ્રસંગે કલેક્ટર આર.જે.હાલાણીએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ તમામ કુટુંબોને આવરી લેતી આ યોજનાને લઈને ક્હ્યું કે, આ યોજનાનો લાભ લાખો લોકોને મળ્યો છે, લોકડાઉન દરમિયાન તાપી જિલ્લામાં આ અભિયાન હાથ ધરી તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ યોજનાથી છેવાડા વિસ્તારોના નાગરિકોને પણ લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે આઠ મહિના સુધી લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તેની ચિંતા રાખી હતી. કોરોનાના કપરા સમયમાં જિલ્લા વહીવટી તંત્રએ પણ લોકો સુધી અન્ન પહોંચાડવાની કામગીરી કરી નાગરિકોને કોઈપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખી હતી. તેમણે તાપી જિલ્લાના નાગરિકોની કોઈપણ ફરિયાદ કે સમસ્યાને દૂર કરવા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યુ હતુ.

 

 

 

કાર્યક્રમની શરુઆતમાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે સ્વાગત પ્રવચન કરતા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા બાબતે જાણકારી આપી આ યોજના અંતર્ગત જિલ્લામાં હાથ ધરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. મામલતદારશ્રી ભાવસારે આભારવિધી કરી હતી. કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ મહેરનોષ જોખીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ સોસ્યલ ડીસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા.આ પસંગે  મુખ્યમંત્રીશ્રીના પ્રવચનનું ઓનલાઈન પ્રસારણ તથા કોવિડ-૧૯ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની ફિલ્મ તેમજ કિસાન સૂર્યોદય યોજનાના ફિલ્મનું નિદર્શન કરવા ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓના અભિવાદનની સાથે રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application