વ્યારાની સિવિલ કોર્ટમાં મહિલા આરોપીને છેતરપિંડી સહિતનાં અલગ-અલગ કલમ હેઠળ સાત વર્ષની સાદી કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કર્યો હતો. તબીબી અધિક્ષક તરીકેની ઓળખ આપી મહિલાએ લોન આપવાના નામે ચાર્જ તેમજ ડીપોઝીટ પેટે નાણાંની ઉઘરાણી કરી છેતરપીંડી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં સાંકળીના મહિલા હેતલબેન ખાનસીંગભાઈ ચૌધરીએ પોતાની ઓળખાણ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત તરીકે આપી ગરીબ લોકોને સહાય તરીકે રૂપિયા ૩ લાખ સુધીની લોન આપવામાં આવે છે તેમ જણાવી લોન પૈકી પચાસ ટકા રૂપિયા હપ્તારૂપે સરકારમાં ભરપાઈ હોઈ, બાકીની લોન માફી મળે છે, પોતે લોન મંજુર કરાવી આપશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી લોનના ચાર્જ તેમજ ડીપોઝીટ પેટે રૂપિયા ૨,૪૩,૦૦/- જેટલી રકમ ઉઘરાવી કોકીલાબેન નરસિંહ ગામીત તથા અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હતી.
જોકે નાણાં પરત ન આપી તેમજ બેંક ખાતામાં નાણાં ન હોવા છતાં પોતાની સહીવાળા ચેક લખી આપી ઠગાઈ કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાંખી તેમજ સીડીએચઓ નવસારી સુપર વીઝન ડો.હેતલ કે.ચૌધરીનો બનાવટી ઓળખપત્ર બનાવી ઠગાઈ કરવાના હેતુથી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો હતો. આ કેસમાં વ્યારા નામદાર સિવિલ કોર્ટએ આરોપી હેતલબેન ચૌધરીને અલગ-અલગ કલમો હેઠળ સાત વર્ષની સાદી કેદ અને દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500