Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોસવાડામાં ઘર્ષણનો મામલો : ડીવાયએસપી સહિત 14 પોલીસ અધિકારી/કર્મચારીઓને પહોંચી હતી ઈજા, હજુ હુમલાખોરો પોલીસ પકડથી દુર

  • July 07, 2021 

હિંદુસ્તાન ઝીંક કંપની મામલે સોમવારે ડોસાવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે,પ્રદર્શનકારીઓ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે પ્રદર્શનકારીઓનો રોષ જોતા સુનાવણી મૌકુફ કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા કલેકટર પાસેથી લેખિત બાંહેધરીનો આગ્રહ રાખી પ્રદર્શનકારીઓએ હાઇવે-જામ કરી દેતા સમજાવવા દોડી આવેલી પોલીસ પર અચાનક પથ્થરમારો થવા લાગ્યો હતો. પોલીસે બેકાબૂ ટોળાને વિખેરવા માટે 118 ટીયર ગેસના રાઉન્ડ છો઼ડ્યા હતા.

 

 

 

 

 

ઘટનાના બે દિવસ બાદ પણ આ મામલે અત્યાર સુધી કોઇપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

પ્રદર્શનકારીઓમાં એટલો બધો આક્રોશ હતો કે પોલીસ પર પથ્થરમારો કરી પોલીસની ગાડીઓને પણ ઉંધી વાળી દેવામાં આવી હતી. આ હિંસક ઘટનામાં નવસારીના ડીવાયએસપી-બી.એસ.મોરીને ઘૂંટણના ભાગે ઈજા પહોચી હતી,નવસારીના પીઆઈ-પી.જી.ચૌધરીને આંખ તથા છાતીના ભાગે ઈજા, ઉકાઈના સીપીઆઈ-આઈજી.વસાવાને પગના ભાગે ઈજા, ઉકાઈના પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ-પી.વી.ધનેશાને જમણાના પગના ઘૂંટીના ભાગે ઈજા પહોચી હતી તેમજ અન્ય 10 જેટલા પોલીસકર્મીઓ સહિત કુલ 14 પોલીસઅધિકારીઓ/કર્મીઓને ઓછીવત્તી તેમજ ગંભીર ઈજાઓ પહોચી હતી. જયારે કુલ 10 જેટલા સરકારી વાહનોમાં તોડફોટ કરી ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘર્ષણ સમયે સ્થળ પોતાના વાહનો મૂકી નાશી છુટેલા પ્રદર્શનકારીઓના કુલ કેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા તે બાબતે તાપી પોલીસે કોઈ માહિતી નથી. આ મામલે પોલીસે 250 જેટલા પ્રદર્શનકારીઓ સામે ગુનો નોંધી હોટેલ તેમજ પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ આધારે હુમલાખોરોને શોધવાની તજવીજ હાથ ધરી છે. આધારભૂત સુત્રો અનુસાર ઘટનાના બે દિવસ બાદ પણ આ મામલે અત્યાર સુધી કોઇપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

 

 

 

 

 

સોમવારની સુનાવણી રદ કરવા માટે અનેક વખત રજૂઆત કરી હતી

હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટ જ્યાં-જ્યાં શરુ કરવામાં આવ્યો છે ત્યાં સ્થાનિકોએ આ પ્રોજેક્ટનો ભારે વિરોધ નોંધાવ્યો છે. આદિવાસી પંચ સહિત 45 ગામના સરપંચોએ સોમવારની સુનાવણી રદ કરવા માટે અનેક વખત રજૂઆત કરી હતી તેમછતાં તંત્ર દ્વારા સુનાવણી રાખવામાં આવતા પ્રોજક્ટના વિરોધમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં કોવીડ-19 ની ગાઈડલાઈનનો ભંગ થયો હોય આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

 

 

 

 

ડોસવાડામાં થતી તમામ ગતિવિધિઓ પર કંપનીની બાજ નજર !!

ડોસવાડામાં પ્લાન્ટ સ્થાપવા મુદ્દે તેના વિરુદ્ધમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટના સંચાલકોએ મીડિયા રિલેશનશિપના નામે ખાનગી માણસોને મેદાનમાં ઉતાર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કંપનીના ખાનગી માણસો પાસે કંપનીનો વિરોધ કરનારાઓથી લઈને સ્થાનિક પત્રકારો અને  સ્થાનિક આગેવાનોના સંપર્ક નંબર લઈને ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બાબતને તાપી જિલ્લા એલઆઈબીના અધિકારીઓ ગંભીરતા લઇ તપાસ હાથ ધરે તે પણ જરૂરી બન્યું છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application