વાપીના છરવાડા રોડ ખાતે ગણેશ નગરના મમતા એપાર્ટમેન્ટમાં રહેતા અને ગુંજન સ્થિત મંગલમૂર્તિ સોસાયટી સામે ફુટપાથ ઉપર લારીમાં શાકભાજીનો વેપાર કરતા પ્રતિક છોટુભાઇ માહ્યાવંશીએ ગત તા.11ના રોજ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પાંચેક દિવસ પહેલા છરવાડામાં રહેતા મિત્ર અશોક પટેલએ જણાવેલ કે, પારડીના ખુટેજમાં રહેતા ચંદુ ભગત (ભુવા) ના ગામના અનિશ પાસે માણસો છે જે પૈસાનો વરસાદ પાડવાનું કામ કરે છે અને પૈસાની લાલચમાં આવી અનિશ સાથે ફોન ઉપર વાત કરી પૈસાનો વરસાદ કરાવવાનો છે તેમ કહેતા તેણે જણાવેલ કે, ધરમપુરના આંબોસી ભવઠાણ ગામે રહેતો વિજય કાળુ મોરીયાને ત્યાં મળવા જવું પડશે. જેથી ગત તા.9મી ડિસેમ્બરનાં રોજ મિત્ર અશોક સાથે તેઓ ધરમપુર જઇ અનિસ તથા નરેશ અને વિજયને મળતા વિજયએ કહ્યું હતું કે, તમારી પાસે સાચા પૈસા કેટલા છે બતાવો તો કામ થાય. જેથી રૂપિયા 1 લાખ રોકડા તેને બતાવતા તમારૂ કામ કરી આપીશું અને ફોન કરીશું ત્યારે ધરમપુર આવજો તેવી વાત થઇ હતી.ત્યારબાદ ગત તા.11મી ડિસેમ્બરનાં રોજ નરેશભાઇએ ધરમપુર ત્રણ રસ્તા ઉપર બોલાવતા રૂપિયા 14000/- લઇ અશોક સાથે કારમાં ધરમપુર ગયા હતા. જ્યાં વિજય અને નરેશ મળ્યા હતા અને જણાવેલ કે, પૈસાનો વરસાદ કરાવવા માટે અનાવલ ખાતે રહેતો હરીબાપુને લેવા માટે જવું પડશે. જે બાદ હરિબાપુ અને તેની સાથે એક ઇસમને લેવા અનાવલ ચાર રસ્તા ખાતે જતા હરિબાપુએ મારા માણસને પૈસા આપો કહેતા તેને રૂપિયા 11000/- આપ્યા હતા. ત્યાંથી હરિબાપુને વાપીમાં પોતાના ઘરે લઇ આવતા બાપુએ બે વિધિ માટેના સાધનોની માંગણી કરી હતી. પૂજાની તૈયારી કરી તેણે તમામને રૂમની અંદર બોલાવી પુજામાં પૈસા મુકવા કહેતા વિજયએ ફરિયાદીના રૂપિયા 1,51,000/- ત્યાં મુક્યા હતા. જે પૈસા પુજાના લોટા સાથે હરિબાપુએ સાથે લઇ ફરિયાદીને સ્મશાન ખાતે ચાલો તેવી વાત કરતા બંને ગાડીમાં બેસી સલવાવ ખાતે એક સ્મશાનમાં રાત્રે 9.30 વાગે ગયા હતા.જ્યાં હરિબાપુએ પ્રતિકને જણાવેલ કે, નારિયેળ લાવવાનું રહી ગયું છે હું સ્મશાને બેઠો છું તુ નારિયેળ લઇ આવ. જેથી પ્રતિક પરત ઘરે નારિયેળ લેવા માટે ગયો હતો. જ્યાંથી નારિયેળ લઇને પરત આવતા બાપુ સ્થળ ઉપરથી ગાયબ હતો. બાપુ ક્યાંક ભાગી ગયો છે અને મારા પૈસા મને આપી દો તેવી વાતો વિજય અને નરેશને કરતા વિજયએ જણાવેલ કે, મારા થકી હરિબાપુ આવ્યો હતો જેથી હું તમારા બધા પૈસા આપી દઇશ. આ અંગે આરોપી હરિબાપુ, નરેશ મંગુ પાડવી (રહે.પાનસ ખુટલી કપરાડા) અને વિજય કાળુ મોરીયા (રહે.આંબોસી ભવઠાણ ધરમપુર) સામે વિશ્વાસઘાત અને ઠગાઇની ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી નરેશને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500