નિઝરના વ્યાવલમાં ગ્રામપંચાયતનો સભ્ય સહિત 13 જેટલા ઈસમોએ રેતી સ્ટોકની ઓફીસમાં ઘુસી જઈ 3 જણાને ઢોરમાર મારી ઓફીસ તેમજ બે કારો માં તોડફોડ કરી આશરે 2 લાખ રૂપિયાનું નુકશાન કરી નાશી છુટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. જોકે પોલીસે ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા.
હું હીંગણી ગ્રામ પંચાયતનો સભ્ય છું અને તમે રેતીનો ધંધો કરો છો તો તમારે મને પૈસા આપવા પડશે-ગણેશ પાડવી
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જીલ્લાના છેવાડે આવેલ નિઝર તાલુકાના વ્યાવલ ગામની સીમમાં આવેલ રેતી સ્ટોક (મેટ્રો સ્ટોક) નો મેનેજર હરેશભાઈ પટેલ રેતીનો ધંધો કરતો હોય જેથી હિંગણી ગામના પંચાયતનો સભ્ય ગણેશ કાંતિલાલભાઈ પાડવીએ હરેશભાઈને ફોન પર જણાવેલ કે,હું હીંગણી ગ્રામ પંચાયતનો સભ્ય છું અને તમે રેતીનો ધંધો કરો છો તો તમારે મને પૈસા આપવા પડશે. જોકે હરેશભાઈએ પૈસા આપવા ના પાડતા ગ્રામપંચાયતનો સભ્ય ગણેશભાઈ પાડવી અને તેની સાથે આવેલ લખન ઉકહ્યાભાઈ પાડવી, રાહુલ વિનોદભાઈ પાડવી બંને રહે, સુલવાડા તા.નિઝર તેમજ આશરે દશેક જેટલા ઈસમો વ્યાવલ ગામની સીમમાં આવેલ મેટ્રો સ્ટોકની ઓફીસ પર મોટર સાયકલ ઉપર લાકડીના ડંડા વિગેરે સાથે આવી ઓફિસમાં હાજર (1) ભાવેશભાઈ અરદાસ ભાટુ તથા (2) પિયુશભાઈ માવજીભાઈ વસાણી (3) પરેશભાઈ વલ્લભભાઈ વડુક્યા નાઓને ઢીક મુક્કીનો ઢોરમાર મારી શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એટલું જ નહી ઓફીસમાં મુકેલ લેપટોપ,પ્રીન્ટર,ટીવી, ફ્રીજ તેમજ બીજા અન્ય સરસામાનની લાકડાના ડંડા થી તોડફોડ કરી ઓફીસની બહાર પાર્ક કરેલ એસ.ક્રોસ મારૂતી કાર નંબર જીજે/5/આરડી/8630 તથા સ્કોડા રેપીટ કાર નંબર જીજે/6/એચએસ/0623 ના આગળના કાચ તેમજ સાઈડના કાચ તેમજ બોનેટ વિગેરેને તોડફોડ કરી કિંમત રૂપિયા આશરે 2 લાખનું નુકશાન કરી આશરે દશેક હુમલાખોરો નાશી છુટ્યા હતા જોકે ત્રણ હુમલાખોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. બનાવ અંગે રેતી સ્ટોકના મેનેજર ની ફરિયાદના આધારે નિઝર પોલીસે આશરે 13 જેટલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500