જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં સર્જાયેલ આતંકી હુમલા બાદ ગુરુવારે અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવાની સલાહ આપી છે. તેમણે અમેરિકાના નાગરિકોને પહલગામ સહિત કાશ્મીર ખીણથી દૂર રહેવા તેમજ સ્થાનિક મીડિયા પર નજર રાખવા સલાહ આપી છે. ભારતમાં અમેરિકી દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોની સત્તાવાર વેબસાઇટ પર જાહેર એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકી હુમલો અને હિંસક નાગરિક અશાંતિ સંભવ છે. આ ક્ષેત્રમાં નાની-મોટી હિંસા થતી રહે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે LOC પર આ પ્રકારની હિંસા થવી સામાન્ય છે. આ હિંસા કાશ્મીર ખીણના પર્યટન સ્થળો શ્રીનગર, ગુલમર્ગ, અને પહલગામમાં થાય છે. ભારત સરકાર LoCની સાથે અમુક ક્ષેત્રોમાં વિદેશી પર્યટકોને જવાની મંજૂરી આપતી નથી. એડવાઇઝરીમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતના કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ આતંકી હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, હુમલાના કારણે ભારતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. આને ધ્યાનમાં રાખીને, અમેરિકન નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવે છે. અમેરિકાના સરકારી કર્મચારીઓ પર પણ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ જૂથે લીધે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500