રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, અને આંગણવાડી પ્રવેશોત્સવની ઉજવણી તા. ૧૨ અને ૧૩ જૂન ૨૦૨૩ દરમ્યાન ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવમાં વિવિધ સ્થાનિક પ્રવૃતિઓ થતાં બાળકો તથા અધિકારીઓ માટે એક નવલું નજરાણું સમાન બન્યો હતો.
વલસાડ જિલ્લાની ૧૮૯૯ આંગણવાડીમાં ૧૯૬૧ કુમાર અને ૧૯૩૮ કન્યા મળી કુલ ૩૮૯૯ બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. નાના-નાના ભૂલકાઓ માટે પ્રવેશોત્સવનો દિવસ યાદગાર બની રહે તે માટે આંગણવાડી કેન્દ્રો સજાવવામાં આવ્યા હતા. આ આંગણવાડીઓમાં ભૂલકાંઓને પ્રેમભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. જેમાં ભૂલકાંઓને બગીની જેમ શણગારેલા બળદગાડામાં, ફુગ્ગાઓથી શણગારેલી સાઇકલ, રિક્ષા, અને ગાડી પર ઢોલ વગાડીને ઉત્સાહભેર આંગણવાડીમાં કંકુ પગલાંથી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને વિવિધ દાતાઓ તથા અધિકારીઓ તરફથી સ્કૂલબેગ, ટિફિનબોક્સ, પાણીની બોટલો વગેરે જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. બાળકો તથા આવેલા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500