વલસાડનાં અબ્રામામાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખોલી 7 વેપારીઓ સાથે રૂપિયા 13.57 લાખની છેતરપિંડીનાં કેસમાં સીટી પોલીસે વડોદરાનાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આ કેસમાં વેપારીઓ દ્વારા સીટી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. બનવાની વિગત એવી છે કે, તિથલ રોડ ઉપર લેપટોપ અને કોમ્પ્યુટરનાં વેપારી કેરી ઝોનના ચેતનભાઇ પટેલ ઉપર ગત તા.21 એપ્રિલના રોજ અબ્રામા સાફી હોસ્પિટલ પાસે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી લેપટોપ સહિત સામગ્રી પૂરી પાડવા અંગે મોબાઇલ પર ફોન આવ્યો હતો.
જેથી વેપારી ચેતનભાઇએ તેમને લેપટોપ સહિત સામગ્રી પૂરી પાડતાં ઓફિસ સંચાલકોએ રૂપિયા 1.28 લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ ઓફિસનાં ઇસમ જગદીશે આઇસીઆઇસીઆઇ બેંકનો ચેક આપી બે દિવસ બાદ બેંકમાં નાખવા જણાવ્યું હતું. જેને લઇ તેમણે વાપીની મહેન્દ્ર કોટક બેંકમા જમા કરાવ્યો હતો જે બાઉન્સ થતાં અબ્રામા ઓફિસમાં તપાસ કરાવતા ઓફિસ બંધ અને મોબાઇલ પણ બંધ આવતા છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું.
આમ, ચેતનભાઇએ પોલીસ મથકે પહોંચી હકીકત જણાવતા અન્ય 6 વેપારીઓ સાથે પણ આવી જ ઠગાઇ થઇ હોવાનું તપાસમાં માલુમ પડતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસનાં પ્રકાશ પટેલ અને બાલકૃષ્ણ ઠક્કર (બંને રહે.વડોદરા) અને જગદીશ (રહે.આણંદ) નામના 3 ઇસમો વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે પોલીસે જગદીશને ઝડપી પડ્યા બાદ ગતરોજ વડોદરાનાં બાલકૃષ્ણ ઠક્કરને પણ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા તા.20 મે સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. આ પ્રકરણમાં પોલીસે અબ્રામા સ્થિતિ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ ઓફિસેથી રૂપિયા 6.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રકાશ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500