વલસાડના કાપરી ફાટક પર સોમાવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહેલી એક એસટી બસ ટ્રેકની વચ્ચે જ બંધ પડી જતા બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બસ ટ્રેક પર ફસાઈ આ જ સમયે ટ્રેન આવવાનો સમય હતો. જોકે, ટ્રેનના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.
બનાવની વિગત એવી છે કે, વલસાડ નજીકના કાપરી રેલવે ફાટક ઉપર ફાટક તૂટી જવાની અન્ય ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે અંકલેશ્વરથી બસમાં મુસાફરો ભરી વલસાડ ડેપો તરફ બસ નંબર GJ/18/Z/2971 આવી રહી હતી. તે દરમિયાન વલસાડ નજીકના કાપરી રેલવે ફાટક ખુલ્લું હોવાથી બસ બપોરે 12:40 કલાકે રેલવે ફાટક ક્રોસ કરતી વખતે અચાનક બસ બંધ પડી ગઈ હતી. તો બીજી તરફ પૂરઝડપે અમદાવાદ તરફથી મુંબઈ તરફ જતી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા બસના મુસાફરોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.
તે દરમિયાન અચાનક જ યશવંતપુર એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઇવરે સમય સૂચકતા દાખવીને કાપરી રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો અને ટ્રેન અટકાવવામાં સફળતા પણ મેળવી હતી. બીજી તરફ બસના મુસાફરોમાં જીવ આવ્યો હતો. યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન 12 મિનિટ સુધી અટકી ગઈ હતી. જોકે રેલવે ટ્રેક વચ્ચે ફસેલી બસને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી હતી.
જયારે કાંપરી રેલવે ફાટક રેલવે ટ્રેક પર બસ ફસાઈ હોવાને જાણ થતા વલસાડ રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ દોડી ગઈ હતી. જોકે ફાટક વચ્ચે બસ ફસાવવાના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મોટો અકસ્માત થતા અટકી જતા વલસાડ રેલવે વિભાગ તેમજ વલસાડ એસટી ડેપો વિભાગે રાહતનો દમ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500