Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહાકુંભ મેળામાં ભાગદોડની ગોઝારી ઘટના બાદ વીવીઆઈપી પાસ રદ

  • January 31, 2025 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાસની ભાગદોડની ગોઝારી ઘટના પછી યોગી સરકારે ફરી આવી ઘટના ના બને તે માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જેમાં કુંભ સ્થળને નો-વ્હિકલ ઝોન જાહેર કરવા, વીવીઆઈપી પાસ રદ કરવા, સ્નાન માટે આવવા-જવાના રસ્તા અલગ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે. બીજી બાજુ ભાગદોડની ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. દરમિયાન ભાગદોડની દુર્ઘટનાના બીજા દિવસે ગુરુવારે મહાકુંભના સેક્ટર ૨૨માં આગ લાગતા ૧૫ તંબુ ખાખ થઈ ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ નથી. મહાકુંભમાં ફરીથી ભાગદોડની કોઈ ઘટના ના થાય તે માટે યોગી સરકાર સક્રિય થઈ છે. મેળા ક્ષેત્રમાં તંત્ર દ્વારા કેટલાક મોટા ફેરફારો કરાયા છે.


મહાકુંભ મેળા ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરાયો છે. હવે આ વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. અનેક રસ્તાઓને વન-વે બનાવી દેવાયા છે. સંગમમાં પવિત્ર સ્નાન માટે આવવા અને જવાના રસ્તા અલગ કરી દેવાયા છે. વીવીઆઈપી પાસ રદ કરી દેવાયા છે. મહાકુંભમાં મૌની અમાસના દિવસે ભાગદોડની દુર્ઘટના બાદ હવે ૩, ૧૨ અને ૨૬ ફેબુ્રઆરીએ બાકીના ત્રણ અમૃત સ્નાન (શાહી સ્નાન)ના દિવસે શ્રદ્ધાળુઓના ધસારાની સંભાવનાના પગલે આ દિવસોએ યોગી સરકારે બધા જ વીઆઈપી પ્રોટોકોલ્સ રદ કર્યા છે. વધુમાં આ દિવસોમાં ક્રાઉડ મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સરકારે જાહેર કરેલા સરક્યુલર મુજબ એક સપ્તાહ પહેલાં વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટ્સની જાણ કરવી ફરજિયાત કરાઈ છે.


સરકારે લોકોને પણ ૩ ફેબુ્રઆરીને વસંત પંચમી, ૧૨ ફેબુ્રઆરીને માઘ પૂર્ણીમા અને ૨૬ ફેબુ્રઆરીને મહાશિવરાત્રીના દિવસે અમૃત સ્નાનમાં ભાગ લેતી વખતે ધીરજ રાખવા અપીલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ ફેરફારો વસંત પંચમી સુધી અમલમાં રહેશે. મહાકુંભમાં વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કુંભ ૨૦૧૯માં મંડલાયુક્ત તરીકે સેવા આપી ચૂકેલા આશીષ ગોયલ અને ભાનુ ગોસ્વામીને તૈનાત કરાયા છે. આ સિવાય ૧૨ ફેબુ્રઆરી સુધી પ્રયાગરાજમાં વિશેષ સચિવ સ્તરના પાંચ અધિકારીઓને પણ મહાકુંભમાં વ્યવસ્થાનું સુકાન સોંપાયું છે. ભાગદોડની ઘટનાના સંદર્ભમાં મહાકુંભ ડીઆઈજી વૈભવ કૃષ્ણે કહ્યું કે, મૌની અમાસના દિવસે કોઈ વીવીઆઈપી મુવમેન્ટ નહોતી. શ્રદ્ધાળુઓ બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા.


એવામાં જંગી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અચાનક દર્શન કરવા ઉમટી પડયા હતા. અખાડા માર્ગમાં ભીડનું દબાણ વધતા અનેક લોકો બેરીકેડ કુદીને બીજી તરફ જતા રહ્યા હતા. આ સમયે ભાગદોડ મચી ગઈ હતી.  બીજી બાજુ પ્રયાગરાજમાં મહાકુંભમાં મૌની અમાસ પહેલાં થયેલી ભાગદોડ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. અરજીમાં સમગ્ર દેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષાના પર્યાપ્ત ઉપાય અને દિશા-નિર્દેશો લાગુ કરવાની માગણી કરવામાં આવી છે. સાથે જ તેના માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ માગ કરાઈ છે. વકીલ વિશાલ તિવારીએ કરેલી અરજીમાં બધા જ રાજ્યોને નિર્દેશ આપવાની માગ કરાઈ છે કે તેઓ પ્રયાગરાજ સ્થિત તેમના સુવિધા કેન્દ્રો પર શ્રદ્ધાળુઓની સુરક્ષાના ઉપાયો અને દિશા-નિર્દેશો અંગે પાયાની માહિતી પૂરી પાડે.


અરજીમાં એવી પણ વિનંતી કરાઈ છે કે શ્રદ્ધાળુઓ માટે અન્ય ભાષાઓમાં જાહેરાત, દિશા-નિર્દેશ અને રસ્તા બતાવતા ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવે, જેથી અન્ય રાજ્યોમાંથી આવતા લોકો સરળતાથી મદદ મેળવી શકે અને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરે. અરજીમાં મહાકુંભમાં થયેલી ભાગદોડ માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા, રાજ્ય સરકારને ભાગદોડની દુર્ઘટના પર સ્ટેટસ રિપોર્ટ આપવા પણ માગ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ભાગદોડની ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ શુક્રવારે સંગમ નોઝની મુલાકાત લેશે તેમ અલ્લાહાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અને પેનલ હેડ હર્ષ કુમારે કહ્યું હતું. કમિશનને આ ઘટનાની તપાસ માટે એક મહિનાનો સમય અપાયો છે.


પરંતુ અમે શક્ય એટલા વહેલા તપાસ પૂરી કરીશું. પેનલના અન્ય સભ્યોમાં ભૂતપૂર્વ ડીજીપી વીકે ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ અધિકારી ડીકે સિંહનો સમાવેશ થાય છે. દરમિયાન મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટનાના બીજા દિવસે ગુરુવારે સેક્ટર ૨૨માં આગ લાગતા ૧૫થી વધુ તંબુ ખાખ થઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. દરમિયાન મહાકુંભમાં ભાગદોડના બીજા દિવસે પણ શ્રદ્ધાળુઓનો ધસારો ચાલુ રહ્યો હતો. ગુરુવારે બે કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ પર પવિત્ર સ્નાન કર્યું હતું. આ સાથે અત્યાર સુધીમાં મહાકુંભમાં કુલ ૨૯ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application