મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાની પહેલ દેશભરમાં ગુજરાત રાજ્ય થકી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જીસ્વાન મારફતે તમામ જિલ્લાઓ સાથે જોડાઇ ગણવેશ વિતરણનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અનવ્યે તાપી જિલ્લામાં આ કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કાર્યક્રમમાં આંગણવાડીના ૩ થી ૬ વર્ષના કુલ ૨૫૨૦૮ બાળકોને એક બાળક દિઠ ૨ એમ કુલ-૫૦૪૧૬ ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ સુરજભાઇએ આંગણવાડી બહેનોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, દેશના વિકાસ કામોમાં આંગણવાડી બહેનોનો મહત્વનો ભાગ છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તો જ દેશનો વિકાસ શક્ય છે. જેથી ગુજરાત સરકાર દ્વારા બાળકો, કિશોરીઓ, માતાઓ,મહિલાઓને ધ્યાનમાં રાખી વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાંથી એક નવી પહેલ રૂપે આજનો કાર્યક્ર્મ છે. જે દેશ માટે ઐતિહાસિક પ્રસંગ સમાન છે.
પ્રમુખ દ્વારા કોરોના કાળમાં પણ બહેનો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે પણ પ્રસંશા કરવામાં આવી હતી. તથા ગ્રામ્ય સ્તરે લોકોને રસીકરણ માટે સંમત કરવા બહેનોને તેમની ભાષામાં જાગૃતતા લાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનિયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીના બાળકોમાં એકમેકમાં સમાનતાની અનુભુતિ થાય તથા આંગણવાણીમાં આવવાનું આકર્ષણ વધે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય દ્વારા ઉમદા પહેલ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા દરેક આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી રૂપે વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં બાળકો માટે ગણવેશ વિતરણ એક સક્ષમ પગલુ છે. જેનાથી રાજ્યની દરેક આંગણવાડી સ્માર્ટ આંગણવાડીરૂપે દેશમાં અલગ તરી આવશે.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, બાળકોના ભવિષ્યની બાગડોર માતાપિતાની સાથે-સાથે આંગવાડીબેહેનો અને શિક્ષકના હાથમાં પણ છે. આ ખુબ જ જવાબદારીભર્યું કામ છે જેના માટે આંગણવાડી બહેનો યશોદા માતા સમાન માન-સન્માનને યોગ્ય છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. ડોડિયાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન થકી પ્રમાણિત થયુ છે કે, સ્વસ્થ-તંદુરસ્ત બાળક પોતાના જીવનમાં સારી પ્રગતિ કરી શકે છે. બાળકો દેશનું ભાવિષ્ય છે તેઓની સ્વાસ્થ્યની જવાબદારી સરકારએ ઉપાડી છે તેથી બાળકના જન્મથી વિવિધ આવડતનો વિકાસ થાય તે માટે સરકાર એ વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જનો લાભ દરેક લોકોએ લેવો જોઇએ. આઇ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર એ.ટી.પટેલે જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કુલ ૧૦૪૯ આંગણવાડી કેંદ્રો છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાની આંગણવાડીના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ટેક હોમ રાશન THR યોજના હેઠળ બાલશક્તિના ફૂડ પેકેટ, કિશોરીઓને પૂર્ણાશક્તિ, સગર્ભા અને ધાત્રીમાતાઓને માતૃશક્તિ ફૂડ પેકેટ વિના મુલ્યે આપવામાં આવે છે. આ અવસરે ભુલકાઓ દ્વારા જાતે તૈયાર કરવામાં આવેલ સર્જનાત્મક કાલાકૃતિઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનુ સંચાલન અરવિંદભાઇ ગામીત તથા આભાર વિધી જાશ્મિનાબેન ચૌધરી સી.ડી.પી.ઓ સોનગઢ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ યુવા પ્રવૃતિ સમિતિના અધ્યક્ષ કુસુમબેન વસાવા, જિલ્લાના તમામ તાલુકાના સી.ડી.પી.ઓ, આંગણવાડી બહેનો તથા નાના ભુલકાઓ સાથે માતાઓ ઉપસ્થિત હાજર રહી. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500