Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ સર્વદળીય બેઠક બોલાવાઈ

  • April 25, 2025 

જમ્મુકાશ્મીરનાં પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા બાદ હવે ગુરૂવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્ત્વની મનાઈ રહી છે. ત્યારબાદ સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી. જેની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી. સર્વદળીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ, મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જેપી નડ્ડા, સપાના રામગોપાલ યાદવ, બીજૂ જનતા દળના સસ્મિત પત્રા, ડીએમકેના ત્રિચી શિવા, આપના સંજય સિંહ, રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ સુપ્રિયા સુલે, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, આરજેડીના પ્રેમચંદ ગુપ્તા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.


આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સંસદીય કાર્ય સચિવ, આઈબી ડાયરેક્ટર પણ હાજર રહ્યા. સર્વદળીય બેઠકમાં પહલગામ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પળાયું હતું. બેઠકથી બહાર નીકળીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'સર્વપક્ષીય બેઠકમાં બધાએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. વિપક્ષનું દરેક એક્શન પર સરકારને અમારે સંપૂર્ણ સપોર્ટ છે.’ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા. તમામ પક્ષોએ હુમલાની નિંદા કરી છે. કાશ્મીરમાં શાંતિના પ્રયાસ પર ચર્ચા થઈ. જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. સરકારને કોઈ પણ એક્શન માટે સમર્થન છે. AAP નેતા સંજય સિંહે કહ્યું હતું કે, ‘તમામ પક્ષોએ સરકાર પાસે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે કાર્યવાહી કરવાની માગ કરી.’


અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, 'દેશને બચાવવાની જવાબદારી સરકારની છે અને અમે આમાં સરકારની સાથે છીએ. સરકારે જે પણ યોગ્ય લાગે તે પગલાં લેવા જોઈએ. અમે સરકારની સાથે ઉભા છીએ. સર્વપક્ષીય બેઠકમાં પહલગામ હુમલાની ભૂલ કેન્દ્ર સરકારે સ્વીકારી છે. બેઠક બાદ કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, 'આ ઘટના કેવી રીતે બની અને ભૂલ ક્યાં થઈ તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. અમારા અધિકારીઓએ જણાવ્યું કે ઘટના કેવી રીતે બની. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. છેલ્લા ઘણા વર્ષોથી લોકો કાશ્મીરમાં શાંતિથી પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા, પ્રવાસીઓ આવી રહ્યા હતા, પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. બધા રાજકીય પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા અને એક વાત બહાર આવી કે દેશે એક થવું જોઈએ અને એક અવાજમાં બોલવું જોઈએ. બધા પક્ષોએ કહ્યું છે કે તેઓ સરકાર સાથે છે.’




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application