નવસારીના પાંચ હાટડી નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇકસવાર એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના પુત્રે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી પાંચ હાટડીમાં રહેતા અફીફા સૈયદ તાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમની માતા વહીદાબેન સૈયદ તાઇ સાથે બાઇક પર ગણેશ સિસોદ્રાથી નવસારી પરત આવી રહ્યા હતા. ત્યારે 30 વર્ષીય સંજયભાઈ પટેલ નામના શખ્સે પોતાની બાઇક પૂરઝડપે હંકારી મેહુલભાઈ નામના શખ્સની બાઇક પાસે લાવી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન સ્પીડ વધુ હોવાથી સંજયભાઈએ તેમની બાઇકનું સંતુલન ગુમાવ્યું હતું.
અસંતુલીત બનેલી સંજયભાઈની બાઇક અફીફા તાઈની બાઇક સાથે અથડાઈ હતી. આથી અફીફા તાઈની પાછળ બેઠેલા તેમના માતા વહીદાબેન તાઇ બાઇક પરથી નીચે પટકાયા હતા. આથી તેમણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. વહીદાબેનને સારવાર અર્થે નવસારી સિવિલ લઈ જવાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર બાદ વહીદાબેનનું મોત નીપજ્યું હતું. આ મામલે અફીફા તાઈની ફરિયાદના આધારે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500