Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ : માછીમારી નો ઈજારો ઇઓક્શન દ્વારા ખાનગી કંપનીને સોંપી દેવામાં આવતા સ્થાનિક મંડળીઓનો વિરોધ

  • February 03, 2021 

ઉકાઈ ડેમના સરોવરમાં હમણાં સુધી સ્થાનિક મત્સ્યોદ્યોગ મંડળીઓને માછલી પકડવા માટેનો ઈજારો આપવામાં આવતો હતો. જોકે હાલમાં સરકારે નીતિમાં ફેરફાર કરી આ ઈજારો ઇઓક્શન દ્વારા ખાનગી કંપનીને ઊંચી કિંમતે આવતા પાંચ વર્ષ માટે ફાળવી દેવામાં આવ્યો છે. આ બાબતે સ્થાનિકગ મત્સ્યોધોગ મંડળીઓ દ્વારા એમની રોજગારી છીનવાઈ જવાની છે એવી રજૂઆત સાથે છેક ગાંધીનગર કક્ષાએ પોતાની રજૂઆત કરી સરકારી નીતિરીતિનો વિરોધ દર્શાવવામા આવ્યો છે.

 

 

આ અંગે તાપી અને નર્મદા જિલ્લાના જુદા-જુદા તાલુકામાં હાલમાં 13 જેટલી મત્સ્યોદ્યોગ મંડળીઓ નોંધાયેલી છે અને આ તમામ મંડળીઓમાં આદિવાસી સભાસદો છે અને એઓ છેલ્લા ઘણા વર્ષોથી ઉકાઈ ડેમના સરોવરમાં માછલીઓ પકડી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. આ અંગે સરકારે પણ સને 2004માં  એક ઠરાવ કરી 1000 હેક્ટરથી ઉપરના તમામ જળાશયોમાં આદિવાસી  મત્સ્યોદ્યોગ મંડળીને અપસેટ કિંમતમાં મચ્છીમારીનો ઈજારો આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે જુલાઈ 2020ના માસમાં ઉકાઈ જળાશયમાં માછીમારી પ્રવૃત્તિ માટે 1-7-20 થી 10-6-25 સુધીના સમયગાળા માટે ઇઓક્શન દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા અને એમાં અપસેટ પ્રાઈઝ 33,89,169 નક્કી કરવામાં આવી હતી. જોકે ગત 26-8-20 ના દિવસે યોજાયેલા ઇઓક્શન માં સહુથી વધુ રકમનું ટેન્ડર તન્વી એક્વા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3,50,30,000 (ત્રણ કરોડ ત્રીસ લાખ અને પચાસ હજાર)નું ભરવામાં આવતા આ ખાનગી કંપનીને માછીમારીનો ઈજારો આપી દેવામાં આવ્યો છે.

 

 

 

જોકે સ્થાનીક મત્સ્યોદ્યોગ મંડળીઓ વતી સરકારની આ કામગીરીને ગેરબંધારણીય અને મનસ્વી જણાવવામાં આવી છે. આ અંગે તેમના પ્રતિનિધિ ભામટિયાભાઈ વસાવાએ એમના વકીલ મારફત કૃષિ કલ્યાણ વિભાગના સચિવ અને મત્સ્યોદ્યોગ કમિશનર ગાંધીનગરને એક નોટિસ પાઠવી છે. એમાં જણાવ્યા અનુસાર આ ટેન્ડર ઇજારાનીતિની વિરુદ્ધ છે અને એથી સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવાઈ જવાની છે. વળી ઉકાઈ જળાશય આદિવાસી અનામત વિસ્તારમાં હોય બહારની કંપનીને ઈજારો આપી શકાય નહિ સાથોસાથ સ્થાનિક વર્તમાનપત્રમાં પણ કોઈ પણ જાતની જાહેરાત વિના કે સ્થાનિક મંડળીઓની જાણ બહાર આપવામાં આવેલ આ ઈજારો રદ કરવા  માંગણી કરવામાં આવે અને નિયમોનુસાર સ્થાનિક મંડળીઓ પાસે અરજી મંગાવી તેઓ ને જ અપસેટ પ્રાઈઝમાં એટલે કે 33.89 લાખ રૂપિયામાં જ ઉકાઈ જળાશયમાં માછીમારી કરવાનો ઈજારો આપવામાં આવે તેવી માંગ મૂકી છે. આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સમગ્ર મામલો નામદાર હાઇકોર્ટ સમક્ષ લઈ જવાની ચીમકી પણ નોટિસમાં આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application