ઉચ્છલ તાલુકાના જામલી ગામે ગ્રામ પંચાયતના સરપંચ રતિલાલ અર્જુનભાઈ વસાવા દ્વારા ગામમાં આશરે 75 જેટલા લાભાર્થીના ઘરે શૌચાલયની કામગીરી હાલમાં અધુરી પડી છે અને તે સાથે જ નાણાપંચના કામો જેવા કે પંચાયતના મકાનના અને આદિમ જૂથના આવાસ યોજનાના કામમાં પણ કથિત રૂપે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રાવ થઇ છે. જેથી આ સંદર્ભે અરજદાર સુરેશભાઈ બાલાભાઈ વસાવા અને અન્ય 10 જેટલા લાભાર્થી દ્વારા તાપી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તપાસની માંગ પણ કરવામાં આવી હતી.
જોકે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, ગ્રામ પંચાયત જામલી દ્વારા હાથ ધરવામાં આવેલ વ્યક્તિગત શૌચાલયના કામ પૈકીના 75 જેટલા લાભાર્થીના ઘરે શૌચાલયની કામગીરી અધૂરી પડી છે અને તે સાથે જ ભૂતકાળમાં થયેલા મનરેગાના કામો સંદર્ભે ચૂકવવા પાત્ર મજૂરીની રકમ પણ લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં નથી આવી હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. જયારે આ બાબતે ગત તા.27મી સપ્ટેમ્બરનાં રોજ ગ્રામજનો અને સરપંચ તેમજ ચૂંટાયેલા સભ્યો ભેગા થયા હતા તે વખતે સરપંચે પોતાના લેટર પેડ પર અઘૂરા પડેલા શૌચાલયના કામો ચારથી પાંચ માસમાં પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી અને સાથે જ મનરેગા યોજનામાં થયેલા કામો પૈકીના લેબરનું ચુકવણું જે પણ લાભાર્થીઓના ખાતામાં જમા થયેલ નથી તેવા લોકોના બેંક ખાતામાં 1 થી 2 માસમાં જમા કરવાની ગ્રામજનો સામે જવાબદારી સ્વીકારી હતી અને તે પ્રમાણે લેખિત બાંહેધરી પણ આપી હતી.
પરંતુ સમય વીતી ગયો હોવા છતાં લાભાર્થીઓને બાકી નીકળતા મજૂરીના નાણાં ચૂકવવામાં આવ્યા નથી અને સરપંચે કામ પૂર્ણ કરવાની લેખિત બાંહેધરી આપી હોવા છતાં તેનું પાલન કર્યું નથી જેથી આ બાબતે સરપંચે ભ્રષ્ટાચાર યુક્ત વહીવટ કર્યો હોય પંચાયત દ્વારા કરવામાં આવેલ કામોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500