અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી કાઢી મુકવાનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે ૧૦૪ ભારતીયોને અપમાનજનક રીતે અમૃતસર મોકલવાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં વધુ ૪૮૭ ભારતીયોને ડીપોર્ટ કરશે. આ સાથે મંત્રાલયે કબૂલ્યું હતું કે, ૧૦૪ ભારતીયો સાથે કરાયેલું અપમાનજનક વર્તન ટાળી શકાયું હોત. આ મુદ્દે અમેરિકા સાથે વાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે, તેમના દેશમાં ગેરકાયદે રહેતા ૪૮૭ ભારતીયોની તેમણે ઓળખ કરી છે, જેમાંથી ૨૯૮ લોકોની વિગતો ભારતને આપવામાં આવી છે. તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલાશે.
વધુમાં ૧૦૪ ભારતીયોને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને ભારત લાવવાનો મુદ્દો અમે અમેરિકન તંત્ર સમક્ષ ઉઠાવ્યો હતો અને તેમને જણાવાયું હતું કે ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ સાથે આ પ્રકારનું વર્તન ટાળી શકાયું હોત. અમેરિકન તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ભારતીય વસાહતીઓને સ્વદેશ રવાના કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, વિદેશ મંત્રી જયશંકરને અમેરિકન અધિકારીઓએ આપેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની જાણ કરાઈ છે. વિદેશ મંત્રીએ કહ્યું છે કે, આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે.
જોકે, તેમણે ગેરકાયદે વસાહતીઓ સાથે અપમાનજનક વર્તનના મુદ્દાને ગંભીર બાબત ગણાવી હતી. ભારતે આ મુદ્દો અમેરિકન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, અમેરિકન તંત્રે અમને ૪૮૭ ભારતીયોને કાઢી મૂકવાના આદેશની જાણ કરી છે. અમે અમેરિકન તંત્રને સ્પષ્ટ કરી દીધું છે કે સ્વદેશ પરત મોકલવામાં આવનારા ભારતીયો સાથે કોઈપણ પ્રકારના અપમાનજનક વર્તનને સાંખી નહીં લેવાય. કોઈપણ પ્રકારના અપમાનજનક વર્તનની અમને માહિતી મળશે તો તુરંત ઉચ્ચ સ્તર પર આ મુદ્દો ઉઠાવાશે.
મિસરીએ આશ્વાસન આપ્યું હતું કે, અમેરિકા જે ગેરકાયદે ભારતીયોને ભારત પાછા મોકલી રહ્યું છે તેઓ સુરક્ષિત અને સન્માનજનક રીતે સ્વદેશ પાછા ફરે તે માટે કેન્દ્ર સરકાર સતત ટ્રમ્પ તંત્રના સંપર્કમાં રહેશે. વિક્રમ મિસરીએ ઉમેર્યું હતું કે, પોતાના દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને કાઢી મૂકવાની પ્રક્રિયા નવી નથી. આ મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે ગુરુવારે સંસદમાં ચર્ચા કરી હતી. વિદેશ સચિવ મિસરીએ ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ગેંગ્સ અને નેટવર્ક્સ વિરુદ્ધ નક્કર કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આપણે સમગ્ર સિસ્ટમમાં હયાત ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500