વલસાડનાં કપરાડા તાલુકામાં અકસ્માતની બે ઘટનામાં સગીર તથા બે બાઈક સવાર યુવકનાં મોત નિપજ્યા હતા. ધરમપુરના નાની વહિયાળ ગામના ઉપલી નવી નગરી ફળિયું રહેતા અક્ષયકુમાર વિનોદભાઈ ગાયકવાડ (ઉ.વ.૨૨) બાઈક નંબર જીજે/૧૫/આરઆર/૭૪૬૫ લઈને નાની વહિયાળથી કપરાડાનાં વારણા ગામે જવા માટે નીકળ્યો હતો. તેની સાથે નયન લક્ષ્મણભાઈ રાઉત (ઉ.વ.૧૫. રહે.બાફ્ટા ફળિયા), રોનક કમલેશ વાંક (ઉ.વ.૧૫, રહે.ઉપલી, નવી નગરી ફળિયું) અને ભાર્ગવ આશિષભાઈ પટેલ (ઉ.વ.૧૬., રહે.કુંકણવાડ ફળિયું,ગોઈમા,તા.પારડી) પણ એક જ બાઈક પર સવાર હતા.
આ ચારેય કપરાડાનાં પાનસ ગામનાં નિશાળ ફળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ રસ્તા ઉપર અચાનક આવી ચઢેલી ટ્રકનાં ચાલકે અક્ષયની બાઈકને ટક્કર મારીને અકસ્માત સજર્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અક્ષયકુમાર અને નયન રાઉતને ગંભીર ઈજા થતા બંનેનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બાઈક સવાર રોનક વાકને ગંભીર ઇજા થતાં તેને વધુ સારવાર માટે વલસાડની સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે બાઈકસવાર ભાર્ગવને પ્રમાણમાં ઓછી ઇજા થઇ હતી. અકસ્માતનાં બીજા બનાવમાં કપરાડાના અંધારપાડા ગામનાં વાંગણ ફળિયામાં રહેતા સંદીપભાઈ લખમાભાઈ બીજ (ઉ.વ.૨૩) તેમની વાગ્દત્તા સાથે બાઈક નંબર જીજે/૧૫/ડીએક્સ/૦૯૯૧ લઈને પારડીના કરવડ ગામે મજૂરી કામ કરવા માટે નીકળ્યા હતા. જોકે સંદીપ તેની ઘરની સામેનાં રસ્તા ઉપર પહોંચતાની સાથે જ માટીનો જથ્થો ભરેલી ટ્રક નંબર જીજે/૧૫/એવી/૭૩૪૧નાં ચાલકે સાંદીપનિ બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સંદીપનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500